વડોદરામાં ચોરી કરવા મુંબઇના ચોરોનુંં ટ્રેનમાં અપડાઉનઃરિક્ષામાં મકાનની રેકી,સ્કૂટર ચોરી રાતે ઘરફોડ
વડોદરાઃ વડોદરામાં ચોરીઓ કરવા માટે મુંબઇથી આવતા બે રીઢા ગુનેગારને વડોદરા ક્રાઇમ બ્રાન્ચે ઝડપી પાડતાં તેઓ કઇ રીતે મકાનોને નિશાન બનાવતા હતા તેની ચોંકાવનારી માહિતી બહાર આવી છે.
શહેરના જયરત્ન બિલ્ડિંગ વિસ્તારમાં જવાહરનગર સોસાયટીમાંથી ક્રાઇમ બ્રાન્ચની ટીમ પસાર થઇ રહી હતી ત્યારે સ્કૂટર પર બે શખ્સ શંકાસ્પદ હાલતમાં દેખાતાં પોલીસે બંનેને તપાસ્યા હતા.જે દરમિયાન સ્કૂટર ચોરી કર્યાની વિગતો ખૂલી હતી.બંને શખ્સ પાસેથી ચોરી કરવાના સાધનો,રોકડા રૃ.૨ હજારઅને બે મોબાઇલ કબજે લેવાયા હતા.
પીઆઇ આર એ જાડેજા અને હેતલ તુવેરની ટીમે વધુ પૂછપરછ કરતાં એકનું નામ નૌશાદ ઉર્ફે સાગર મુસ્તાક આલમ(પ્રકાશ માત્રે ચાલી,કામોઢે,નવી મુંબઇ મૂળ બિહાર) અને બીજાનું નામ શેરા શૌરૃ ચોહાણ (નાયગામ,પાલઘર મૂળ સોલાપુર, મહારાષ્ટ્ર) હોવાનું ખૂલ્યું હતું.જે પૈકી શેરા સામે ચોરી અને કારમાંથી ચોરી કરવાના ગુના સહિત ૬૫ જેટલા ગુના તેમજ નૌશાદ સામે ચોરી,લૂંટ સહિતના ૧૭જેટલા ગુના નોંધાયા હોવાની માહિતી ખૂલી હતી.
બંને જણાએ કબૂલ્યું હતું કે,તેઓ ટ્રેનમાં વડોદરા આવી રિક્ષામાં બંધ મકાનોની રેકી કરતા હતા.મકાન મળે એટલે નજીકમાંથી ટુવ્હીલર ચોરતા હતા અને મકાનમાં ચોરી કરી વાહન છોડીને મુંબઇ ચાલ્યા જતા હતા.તેમણે ટૂંકા ગાળામાં વાડીની શ્રી સોસાયટી વિસ્તાર તેમજ જેપી રોડ વિસ્તારમાં બે વાહન ચોરી બે મકાનમાં હાથફેરો કર્યો હતો.