દિવાળીની સાફ-સફાઈ કરવા સંબંધીના ઘેર ગયા અને ચોરો રોકડ તેમજ દાગીના ઉઠાવી ગયા
image : Freepik
- બંધ ઘરને નિશાન બનાવી ચોરો 4.77 લાખની મત્તા લઈને ફરાર : ગ્રામ્ય વિસ્તારમાં ચોરોનો પોલીસને પડકાર
વડોદરા,તા.7 નવેમ્બર 2023,મંગળવાર
કરજણ તાલુકાના કંબોલી રોડ પર આવેલ મેસરાડ ગામમાં રહેતા ગીરીશભાઈ કાંતિભાઈ પરમાર પાલેજ ખાતેની ખાનગી કંપનીમાં નોકરી કરે છે. તા.5ના રોજ તેઓ નોકરી ઉપર ગયા હતા. તેમજ પત્ની અને બાળકો પાલેજ ખાતે રહેતા સાઢુભાઈ છત્રસિંહ પરમારના ઘેર દિવાળીની સાફ-સફાઈ માટે નીકળ્યા હતા. નોકરી પરથી છૂટીને ગીરીશભાઈ પણ સાઢુભાઈના ઘેર ગયા હતા અને તેઓ રાત્રે ત્યાં જ પરિવારનાં સભ્યો સાથે રોકાઈ ગયા હતા. દરમિયાન સવારે પાડોશીનો ફોન આવ્યો હતો કે તમારા ઘરના દરવાજાને મારેલ તાળું તૂટીને નીચે પડ્યું છે અને ચોરી થઈ હોવાનું જણાય છે. જેથી ગીરીશભાઈ અને પરિવારના સભ્યો ઘેર ગયા ત્યારે દરવાજાનો નકુચો તાળુ સાથે તૂટેલો જણાયો હતો અને ઘરની રૂમમાં મૂકેલી તિજોરીમાંથી દોઢ લાખ રોકડા તેમજ સોના ચાંદીના દાગીના મળી 4.77 લાખની ચોરી થઈ હોવાનું જાણવા મળ્યું હતું. આ અંગે ગીરીશભાઈએ કરજણ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.