MSUમાં ચોરો પેધા પડ્યા, આર્ટસમાં ફર્નિચર તો કોમર્સમાં દીવાલ પર લાગેલા ચાર એસી યુનિટ ચોરાયા

Updated: Sep 8th, 2024


Google NewsGoogle News
MSUમાં ચોરો પેધા પડ્યા, આર્ટસમાં ફર્નિચર તો કોમર્સમાં દીવાલ પર લાગેલા ચાર એસી યુનિટ ચોરાયા 1 - image

વડોદરાઃ એમ.એસ.યુનિવર્સિટીમાં ચોરોને મોકળું મેદાન મળ્યું હોય તેવી સ્થિતિ છે અને યુનિવર્સિટી સત્તાધીશો ઉંઘી રહ્યા છે.આર્ટસ ફેકલ્ટીના હિસ્ટ્રી  વિભાગમાં બહાર મૂકવામાં આવેલુ જૂનું પણ સીસમ અને સાગનું ફર્નિચર રાતોરાત ગાયબ થઈ ગયું હોવાનું વિભાગના જ અધ્યાપકોએ ફેકલ્ટીના વોટસ એપ ગ્રુપમાં કહ્યું હતું.હવે કોમર્સ ફેકલ્ટીના ડોનર્સ પ્લાઝા ખાતે આવેલા પીજી બિલ્ડિંગમાં દીવાલ પર લગાવાયેલા એસીના ચાર યુનિટ ચોરાઈ ગયા હોવાની જાણકારી સપાટી પર આવી છે.

આ ઘટના પંદર દિવસ પહેલાની છે પણ તેના પર ઢાંકપિછોડો કરવાની ભરપૂર કોશિશ સત્તાધીશોએ કરી છે.એસીના  યુનિટની ચોરી એટલા માટે પણ ગંભીર છે કે, ભારે ભરખમ યુનિટને ઉતારવા માટે અને લઈ જવા માટે એક કરતા વધારે વ્યક્તિઓ અને વાહનની પણ જરુર પડી હશે.આ ચોરીએ યુનિવર્સિટીની સિક્યુરિટી પર સવાલો ઉઠાવ્યા છે.એસીના યુનિટ ચોરાયા ત્યારે ડોનર્સ પ્લાઝા કેમ્પસમાં સિક્યુરિટી હતી ખરી? અને હતી તો આ કારનામા પર કોઈની નજર કેમ ના ગઈ? તેનો જવાબ યુનિવર્સિટી સત્તાધીશોએ કરોડો રુપિયાનો કોન્ટ્રાકટ આપનાર સિક્યુરિટી પાસે માંગ્યો છે કે નહીં તે પણ કોઈને ખબર નથી.એક અધ્યાપકે કહ્યું હતું કે, અધ્યાપકો અને તેમના પરિવારો રહે છે તે ક્વાર્ટર્સમાં પણ સિક્યુરિટીનો અભાવ છે અને વાહનોમાંથી પેટ્રોલ ચોરાવાની ઘટનાઓ અવાર નવાર બને છે પણ અહીંયા સિક્યુરિટી જોવા મળતી નથી.એવુ લાગે છે કે, યુનિવર્સિટી કેમ્પસમાં અત્યારે સિક્યુરિટીનો અર્થ માત્ર વાઈસ ચાન્સેલરની સુરક્ષા એવો થઈ રહ્યો છે.



Google NewsGoogle News