ભારે કરી..!! પાર્ક કરેલી ટ્રકમાંથી લાખોનો સામાન બીજા ટ્રકમાં આવેલા ચોરો ઉઠાવી ગયા
Vadodara Theft Case : વડોદરાના સંત કબીર રોડ પર આવેલ ભારત ટ્રેડર્સ નામની વેલ્ડીંગ રોડ તથા વેલ્ડીંગનો સામાન વેચાણનો ધંધો કરતા વેપારી દીપેન શશીકાંત બારભાયાએ રાજસ્થાન ખાતે કોટા ઇલેક્ટ્રોડેટ કંપનીમાંથી 181 વેલ્ડીંગ રોડના બોક્સનો ઓર્ડર આપ્યો હતો. જેથી કંપની દ્વારા તારીખ 23ના રોજ વેપારીને મેસેજ કરી જાણ કરી કે રાધિકા ટ્રાન્સપોર્ટ દ્વારા માલ મોકલાવેલો છે. તારીખ 21ના રોજ રાત્રે આઇસર ટ્રક લઈને આવેલા ડ્રાઇવરે વેપારીને ફોન કરી હું દુમાડ પાસે આવી ગયો છે તેમ જણાવ્યું હતું. જેથી વેપારીએ હાલ વરસાદ વધુ છે અને પાણી ભરાયા છે જેથી ત્યાં જ રહેવા માટે જણાવ્યું હતું.
ત્યારપછી દુમાડ ગામની સીમમાં ભારત પેટ્રોલિયમ પેટ્રોલપંપ પાસે આઇસર પાર્કિંગ કરીને ડ્રાઇવર તેમાં ઊંઘી ગયો હતો. મોડી રાત્રે ત્રણ વાગ્યે અચાનક ઊંઘમાંથી જાગીને ડ્રાઇવર ટેમ્પામાંથી ઉતરી પાછળ માલ જોવા ગયો ત્યારે એક અન્ય ટ્રક સાવલી તરફ જતી જણાઈ હતી અને ટેમ્પાની તાડપત્રી તૂટેલી હતી. જેમાં મુકેલ વેલ્ડીંગ રોડ્સના બોક્સ રૂ.4.10 લાખ કિંમતના ચોરી થયા હોવાનું જણાયું હતું. આ અંગે વેપારીએ મંજુસર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી.