વડોદરામાં દિવાળીપુરા કોર્ટમાં નોકરી કરતા પટાવાળાની પંકચર પડેલી સ્કૂટી લઈને ગઠીયો ફરાર
Vadodara Vehicle Theft Case : વડોદરા દાંડિયા બજાર વિસ્તારમાંથી પસાર થતા દિવાળીપુરા કોર્ટમાં નોકરી કરતા પટાવાળાની સ્કૂટીમાં પંકચર પડ્યું હતું. એક શખ્સે કાકા લાવો તમારી સ્કૂટી દોરીને આગળ પંચર કરાવું છું તમે ધીરે ધીરે આવો. ત્યારબાદ આ શખ્સ કોર્ટના પટાવાળાની સ્કૂટી લઈને ફરાર થઈ ગયો હતો. જેથી તેઓએ રાવપુરા પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવી છે.
વડોદરા શહેરના વાઘોડિયા રોડ પર આવેલા શ્રીનાથ પાર્ક કોમ્પલેક્ષમાં રહેતા આશિષ કિરીટભાઈ શાહે ફરીયાદ નોંધાવી છે કે હું દિવાળીપુરા કોર્ટમાં પટાવાળા તરીકે નોકરી કરું છું. મેં એક સ્કૂટી સેકન્ડમાં ખરીદ કરી હતી. હું મારા કામ અર્થે સીટીમાં આવ્યો હતી અને દાંડીયાબજાર ગણપતિ મંદિર સામેથી પસાર થઈ રહ્યો હતો. ત્યારે મારા સ્કૂટીના ટાયર પંકચર પડયું હતું. જેથી મેં મારી સ્કૂટી નજીકમાં આવેલા રીક્ષા સ્ટેન્ડ નજીક દોરીને લઈ જઈ રહ્યો હતો. ત્યારે એક અજાણ્યો ઇસમ મારી પાસે આવી અને મને જણાવેલ કે, કાકા સ્કૂટીને શું થયુ ત્યારે મેં મારી સ્કૂટીનું ટાયર પંકચર પડેલ છે તેમ જણાવતા અજાણ્યો ઇસમ મને તમારી સ્કૂટી મને આપો હું દોરીને આગળ પંકચરવાળો છે ત્યાં પંકચર કરાવું છું અને તમે ધીરે-ધીરે આગળ આવો તેમ કહેતા મેં આ અજાણ્યા ઈસમને મારી સ્કૂટી આપી હતી અને તેઓ મારી સ્કૂટી દોરીને આગળ લઇ ગયો અને થોડીવાર પછી મે આગળ જઈને જોતા આ અજાણ્યા ઇસમ ક્યાંય જણાઈ આવ્યો ન હતો. જેથી અજાણ્યો ઈસમ મારી સ્કૂટી મને વિશ્વાસમાં લઈ ને મારી સાથે છેતરપીંડી કરીને મારી સ્કૂટી લઈને જતો રહ્યો હતો. તેની આ સ્કૂટીની શોધખોળ કરવા છતાં આજ સુધી સ્કૂટી મળી આવી નથી. રાવપુરા પોલીસે પટાવાળાની ફરિયાદના આધારે સ્કૂટી ચોરની શોધખોળ હાથ ધરી છે.