50થી વધુ ચોરીઓમાં સામેલ આંતરરાજ્ય ચોર મુંબઇમાં વડોદરા પોલીસને ધક્કો મારી ફરાર
વડોદરાઃ વડોદરા ક્રાઇમ બ્રાન્ચે પકડેલો આંતરરાજ્ય ચોર તપાસ દરમિયાન મુંબઇના થાણે ખાતેથી પોલીસને ધક્કો મારીને ફરાર થઇ ગયો હોવાનો બનાવ બનતાં વડોદરા અને મુંબઇ પોલીસ દોડધામ કરી રહી છે.
વડોદરા ક્રાઇમ બ્રાન્ચે ચારેક દિવસ પહેલાં તરસાલી વિસ્તારમાંથી રામનિવાસ ઉર્ફે રામા મંજુ ગુપ્તા(રામનગર, કલ્યાણ,મહારાષ્ટ્ર)ને ઝડપી પાડયો હતો.રીઢો ચોર મુંબઇ,સુરત, અમદાવાદ,વડોદરા સહિતના શહેરોમાં ખાસ કરીને મોબાઇલ શોપને ટાર્ગેટ કરતો હતો. રીઢા ચોરની ૫૦ થી વધુ ચોરીના ગુનાઓમાં સંડોવણી હતી.
વડોદરામાં જે પી રોડ પોલીસ સ્ટેશનની હદમાં અકોટા વિસ્તારમાં મોબાઇલ શોપમાંથી રૃ.૬.૫૧ લાખની ચોરીના બનાવમાં તેને તપાસ માટે જે પી રોડને સોંપવામાં આવ્યો હતો.
જે પી રોડ ચોરીનો માલ કબજે લેવા તેમજ અન્ય સાગરીતની તપાસ માટે તેને રિમાન્ડ પર લઇ મુંબઇ ગઇ હતી.જે દરમિયાન આજે બપોરે થાણે ખાતેના પોલીસ સ્ટેશનમાંથી રીઢો ચોર વડોદરા પોલીસને ધક્કો મારીને ફરાર થઇ ગયો હતો.જે પી રોડના પીઆઇ સગરે કહ્યું હતું કે, આ બનાવ બાદ વડોદરા અને મુંબઇ પોલીસ ભાગી છૂટેલા ચોરને શોધી રહી છે.
મુંબઇની વાઇન શોપમાંથી પણ સ્કૂટર લઇને રૃ.૫૫ લાખની ચોરી કરીને ભાગ્યો હતો
વડોદરામાં ચોરી કરવા માટે રામનિવાસ ગુપ્તા સ્કૂટર લઇને આવ્યો હોવાની વિગતો ખૂલી હતી.
પોલીસની તપાસ દરમિયાન રામનિવાસે કબૂલ્યું હતું કે,તે અમદાવાદથી સ્કૂટર લઇને વડોદરા ચોરી કરવા આવ્યો હતો.તેણે આવી રીતે મુંબઇના નાલાસોપારા ખાતેની વાઇન શોપમાં પણ રૃ.૫૫ લાખની રોકડ અને દાગીનાની ચોરી કરી હતી.
આ ઉપરાંત મહારાષ્ટ્રના અહમદનગર, સુરતના કાપોદ્રા અને અમદાવાદના સેટેલાઇટ વિસ્તારમાં પણ મોબાઇલ શોપમાં હાથફેરો કર્યો હતો.