ગોત્રી ઇસ્કોન ટેમ્પલની ચોરીનો ભેદ હાથવેંતમાં ખૂલશે,પોલીસે રાજસ્થાનથી ચોરને દબોચ્યો
વડોદરાઃ ગોત્રી ઇસ્કોન ટેમ્પલમાં બનેલા ચોરીના બનાવનો ભેદ હાથવેંતમાં ઉકેલાઇ જશે તેવી પોલીસને આશા છે.પોલીસે ચોરને ઓળખી લીધો હોવાની અને તેને દબોચી લીધો હોવાની બિનસત્તાવાર માહિતી મળી છે.
ઇસ્કોન મંદિરના ગર્ભગૃહના બે દરવાજાના નકૂચા અને તાળાં તોડી ત્રાટકેલા ચોરો ભગવાનના શણગાર અને પૂજાના સાધનો મળી કુલ રૃ.દોઢ લાખની મત્તા ચોરી ગયા હતા.સારાનશીબે ગર્ભગૃહના લોકર નહિં ખૂલતાં બીજી કિંમતી ચીજો બચી ગઇ હતી.
ઇસ્કોન મંદિરના બનાવે ભારે ચકચાર જગાવી હતી.પોલીસ કમિશનર સહિતના ઉચ્ચ પોલીસ અધિકારીઓએ આ બનાવની વિગતો મેળવી હતી અને સીસીટીવી ફૂટેજને આધારે તપાસ કરી હતી.
દરમિયાનમાં ક્રાઇમ બ્રાન્ચના ડીસીપી યુવરાજસિંહ જાડેજાના નેજા હેઠળની એક ટીમે આરોપીને ઓળખી કાઢ્યો હોવાની અને તેનું પગેરું શોધતી રાજસ્થાન પહોંચી હોવાની માહિતી મળી છે.પોલીસે આરોપીને દબોચી લીધો હોવાનું પણ જાણવા મળ્યું છે.પરંતુ સત્તવાર રીતે હજી પોલીસે કોઇ વિગત જાહેર કરી નથી.