પરિવારની ઉંઘમાં ખલેલ પાડયાં વગર ચોર ૬ લાખનાં દાગીના લઇને ફરાર
અંબાપુરના ઇન્દિરાનગરમાં
મોડી રાત્રે નોકરિયાત દિકરો ઘરે આવ્યો ત્યારે રસોડામાં મુકેલી તિજોરી ખુલ્લી પડેલી જોતાં ચોર પરોણાં થયાની જાણ થઇ હતી
ગાંધીનગર : ગાંધીનગરના ગ્રામ્ય વિસ્તારમાં પણ રેઢુ ભાળી ગયેલા તસ્કરોએ તરખાટ મચાવ્યો છે. અંબાપુર ગામે મધ્યરાત્રે ત્રાટકેલી તસ્કર ટોળકીના સભ્યો ઘર માલિક ખેડૂત પરિવારની ઉંઘમાં કોઇ ખલેલ પહોંચાડયા વગર જ તિજોરી ખોલી નાંખીને તેમાંથી રૃપિયા ૬ લાખની કિંમતના સોના ચાંદીના ઘરેણા ચોરી લઇને ફરાર થઇ ગયા હતાં. નોકરિયાત પુત્ર રાત્રે મોડેથી ઘરે આવ્યો ત્યારે ચોરીની જાણ થતાં પોલીસ સમક્ષ ફરિયાદ નોંધાવવામાં આવી હતી.
ખેતી કરીને પરિવારનું પોષણ કરતા અંબાપુર ગામે ઇન્દિરાનગરમાં
રહેતા ભરતજી ભીખાજી ઠાકોરે અડાલજ પોલીસ મથકમાં નોંધાવેલી ચોરીની ફરિયાદમાં
જણાવવામાં આવ્યા પ્રમાણે તેમએ લોખંડની તિજોરીમાં સોના ચાંદીના ઘરેણા રાખ્ય હતાં
અને વધુ સલામતી માટે તિજોરીને રસોડામાં મુકવામાં આવી હતી. રાતવેળાએ ફરિયાદી ઘરની
બહાર ઓસરીમાં સુતા હતાં અને તેમની પત્ની તથા પુત્રવધૂ જાગતા હતાં. જ્યારે તેનો
પુત્ર જયદિપ નોકરીએ ગયો હતો. મોડી રાત્રે તે ઘરે આવ્યો ત્યારે રસોડામાં તિજોરી
ખુલ્લી પડેલી અને સામાન વેરવિખેર પડેલો જોયો હતો. જેના પગલે ભરતજીને તેના પત્ની
અમરતબેને જગાડીને ચોરીની જાણ કરી હતી. તસ્કરો તિજોરીમાંથી સોનાની બે ચેઇનસ લોકેટ, બુટ્ટીઓ, વીંટીઓ અને
ચાંદીના દાગીના ચોરી ગયાનું માલુમ પડતાં આખરે પોલીસ મથક પર આવીને ફરિયાદ નોંધાવી
હતી. પોલીસ દ્વારા ફિંગર પ્રિન્ટ એક્સપર્ટ અને ડોગ સ્કેવોડની મદદ લઇને ચોર
ટોળકીનું પગેરૃ દબાવવા પ્રયાસો હાથ ધરવામાં આવ્યા હતાં.