વેપારીના ઘરના આંગણે માંસ, હાડકા નાંખવાનો વિરોધ કરતા ધમકી અપાઇ
પેથાપુરમાં રાધા વલ્લભ મંદિર પાસે
પિડીત પરિવારે માંસના ફોટા પાડતા પિતા, પુત્રોએ ઘર ખાલી કરી જતા રહેવાની અને જાનથી મારી નાંખવા કહ્યાંની ફરિયાદ
ગાંધીનગર : ગાંધીનગરના પેથાપુર વિસ્તારમાં જૈન દેરાસર અને રાધા વલ્લભ મંદિર પાસે રહેતા વેપારીએ તેના ઘર આંગણામાં પશુના માંસ, હાડકા નાંખવાનો વિરોધ કરતાં તેને ધમકી અપાયાનો બનાવ પોલીસ ચોપડે નોંધાયો છે. આવી પ્રવૃત્તિ અવાર નાવાર થવાના પગલે પિડીત પરિવારે માંસના ફોટા પાડતા પાડોશી પિતા અને તેના બે પુત્રોએ ઘર ખાલી કરી જતા રહેવાનું કહેવાની સાથે અને જાનથી મારી નાંખવા ધમકી આપ્યાની ફરિયાદ નોંધાવાઇ છે.
મહેસાણાના કડી તાલુકાના સુરજ ગામના વતની અને છેલ્લા ૩૦ વર્ષથી પેથાપુરમાં રહેતા અને પેથાપુર ચોકડી પાસે જ ખોડીયાર મોબાઇલ રિપેરીંગ નામથી દુકાન ચલાવતા અતુલભાઇ બાલકૃષ્ણ ઠાકર નામના ૫૬ વષય વેપારી દ્વારા નોંધાવવામાં આવેલી ફરિયાદમાં તેની પાડોશમાં ટીંબાફળીમાં રહેતા મહંમદ કુરેશી તથા તેના પુત્રો સોહિલ અને મોબિલના નામ આપવામાં આવ્યાં છે.ફરિયાદમાં જણાવ્યા પ્રમાણેઆરોપી માંસ, મટનનો વ્યવસાય કરતા હોય તેના મકાનમાં મૃત પશુઓને લાવીને ચીરફાડ કરે છે. આ વાતે તેમનું અવાર નવાર ધ્યાન દોરતા આરોપીઓ જેમ ફાવે તેમ બોલીને મકાન ખાલી કરી જતાં રહેવાનું કહીને જાનથી મારી નાંખવાની ધમકીઓ આપતા રહેતા હતાં. દરમિયાન આરોપીઓ વેપારીના ઘર લઆંગણામાં માંસ, હાડકા નાંખતા હતાં. ગત તારીખ ૪થીએ રાત્રે ૯.૩૦ વાગ્યાના અરસામાં મહંમદ કુરેશી અને તેના પુત્રોએ ફોન કરીને વેપારીને ઘરની બહાર બોલાવીને માંસના ટુકડાના ફોટા કેમ પાડે છે તેમ કહીને જાનથી મારી નાંખવાની ધમકી આપી હતી. ફરિયાદમાં આરોપીઓએ દશેક દિવસ પહેલા માતાજીના મંદિર પાસે પણ માંસના ટુકડા નાખ્યા હતાં અને ત્યારે પણ તેમ નહીં કરવાનું કહેતાં ધમકી આપ્યાનું ફરિયાદમાં જણાવાયું છે.