વાસણા રોડ પરની એમ.ઇ.એસ.સ્કૂલની દીવાલ તોડી દરવાજો લઇ ગયા
બીના નગર સોસાયટીમાં રહેતા પાંચ ભાઇઓ સહિત છ રહીશો સામે ફરિયાદ
વડોદરા,વાસણા રોડ પર આવેલી એમ.ઇ.એસ.સ્કૂલની ૩૦ ફૂટ દીવાલ તોડીને તેમાં લગાવેલો દરવાજો લઇ જનાર બીના નગર સોસાયટીના છ રહીશો સામે જે.પી.રોડ પોલીસે ગુનો દાખલ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
આયુર્વેદિક મેમણ કોલોની પાસે ધનાની પાર્કમાં રહેતા ૮૨ વર્ષના ઇસ્માઇલભાઇ દાઉજીભાઇ પટેલ વડોદરા મુસ્લિમ એજ્યુકેશન સોસાયટીમાં વહીવટી મંડળમાં વર્ષ - ૨૦૨૧ થી ઉપ પ્રમુખ છે. સોસાયટી દ્વારા શહેરમાં કુલ ચાર શાળાઓનું સંચાલન કરવામાં આવે છે. જે પૈકીની એક શાળા વાસણા રોડ બીના નગર સોસાયટી તથા મુન્શી કોલોનીના કોમન પ્લોટમાં છે. તેમણે જે.પી.રોડ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી જણાવ્યું છે કે, બંને સોસાયટીના રહીશો દ્વારા બંને પ્લોટ તા. ૨૧ - ૧૨- ૧૯૮૬ તથા તા.૧૦ - ૦૨ - ૧૯૮૭ ના રોજ ઠરાવ કરીને કોઇપણ જાતના અવેજ વગર શૈક્ષણિક હેતુને ધ્યાને લઇ બક્ષીસ લેખ કરી આપ્યો છે. વર્ષ - ૧૯૮૫ માં એમ.ઇ.એસ. નામથી સ્કૂલ શરૃ કરવામાં આવી હતી. શાળાના શૈક્ષણિક સમય સિવાયના સમયે સોસાયટીમાં રહેતા રહીશોના ત્યાં કોઇ લગ્ન પ્રસંગોએ શાળાની આગળના કેમ્પસનો ઉપયોગ કરવાનું ઠરાવવામાં આવ્યું છે.
ગત તા.૧૧મી નવેમ્બરે સ્કૂલના પ્રિન્સીપાલ ઇમ્તિયાઝઅલી સૈયદે રાતે મને જાણ કરી હતી કે, અમે તથા શાળાના શૈક્ષણિક તથા બિન શૈક્ષણિક સ્ટાફ બપોરે બાર વાગ્યે શાળા બંધ કરીને ઘરે ગયા હતા. ચાર વાગ્યે શોભના નગરમાં રહેતા ડો. ઇસ્માઇલભાઇ પાલાએ કોલ કરી જાણ કરી હતી કે, બીના નગર સોસાયટીના રહીશોએ તમારી શાળાની કંપાઉન્ડ વોલ તોડી નાંખી છે. મેં સ્થળ પર જઇને જોયું તો આશરે ત્રીસ ફૂટની દીવાલ તોડી નાંખી હતી. તેમજ લોખંડનો દરવાજો ત્યાં નહતો. દીવાલ તોડનાર તથા દરવાજો લઇ જનાર લોકો અંગે તપાસ કરતા જાણવા મળ્યું હતું કે, બીના નગર સોસાયટીમાં રહેતા (૧) હારિશ સત્તારભાઇ મૌલવી (૨) ફારૃક સત્તારભાઇ મૌલવી (૩) ઇલ્યાસ સત્તારભાઇ મૌલવી (૪) ઇમ્તીયાઝ સત્તારભાઇ મૌલવી (૫) ઇમરાન સત્તારભાઇ મૌલવી (૬) સલીમ ગોર દ્વારા દીવાલ તોડી નાંખી દરવાજો લઇ જવામાં આવ્યો હતો.
અમને જાણવા મળ્યું હતું કે, જેસીબી મશીન દ્વારા દીવાલ તોડી પાડીને દરવાજો લઇ જવામાં આવ્યો હતો. ૧૫ દિવસ પહેલા ઇમરાન સત્તારભાઇ મૌલવી તથા ઇલ્યાસ મૌલવી સમાધાન માટે સ્કૂલ પર આવ્યા હતા. તેઓએ અમારી સાથે ઝઘડો કરી ધમકી આપી હતી કે, હવે તમે દીવાલ બાબતે વાત કરવા આવશો તો જાનથી મારી નાંખીશ.