કોમ્પ્યુટર ઓપરેટરની નોકરી અપાવવાનું કહી ચિટિંગ કરવાની નોકરી અપાવી
કંબોડિયા દેશમાં મોકલી પાસપોર્ટ લઇ કંપનીના રૃમમાં ગોંધી રાખ્યા : આગોતરા જામીન અરજી નામંજૂર
વડોદરા,કંબોડિયા દેશમાં કોમ્પ્યુર ઓપરેટર તરીકે નોકરી અપાવવાનું કહી ટેલિગ્રામ પર લોકોના બેન્ક એકાઉન્ટમાંથી રૃપિયા પડાવી લેવાની છેતરપિંડીની નોકરી અપાવવાના કેસમાં સામેલ આરોપીની આગોતરા જામીન અરજી અદાલતે નામંજૂર કરી છે.
અમદાવાદ નિકોલ રોડ પર મનમોહન પાર્કમાં રહેતા ગોવિંદભાઇ મદનલાલ મેલકાએ સી.આઇ.ડી. ક્રાઇમ વડોદરા ઝોનમાં ગત તા. ૧૩ મી એપ્રિલે વિજયસિંહ ચંદ્રસિંહ રાઠોડ ( રહે. મધુ નગર, કરોડિયા રોડ) તથા હુસેન અલ્લારખા રાણા ( રહે.ભાઇલાલ પાર્ક, ગોરવા) સામે ફરિયાદ નોંધાવી હતી. જેની વિગત એવી છે કે, સયાજીગંજ ફિનિક્સ કોમ્પલેક્સમાં આવેલી એચ.આર.ઓવરસિઝની ઓફિસમાં ગયા હતા. આરોપીએ પોતે વિઝા એજન્ટ તરીકે કામ કરતા હોવાનું જણાવ્યું હતું. કંબોડિયા દેશમાં કોમ્પ્યુટર ઓપરેટર તરીકે નોકરીની લાલચ આપી હતી. તેઓને કોલ સેન્ટરમાં નોકરી અપાવવાનું કહી કંબોડિયા મોકલી આપ્યા હતા. ત્યારબાદ કંબોડિયા ખાતે સહ આરોપીઓ રાજુ કંબોડિયા તથા મેડીભાઇ પાકિસ્તાની તથા કંપનીના ચાઇનિઝ લીડર મારફતે ટેલિગ્રામ પર બેન્ક એકાઉન્ટમાંથી રૃપિયા ચોરી કરી લેવાની સ્કેમર તરીકે નોકરી અપાવી હતી. ફરિયાદીને કંપનીના રૃમમાં ગોંધી રાખી પાસપોર્ટ લઇને વિઝાની મુદ્દત વધારવાના બહાને ૧.૮૭ લાખ પડાવી લીધા હતા. આ ગુનામાં જેલવાસથી બચવા માટે આરોપી કે.ડી.ખાને ( રહે. ગાજીપુર, યુ.પી.) આગોતરા જામીન મેળવવા માટે કોર્ટમાં અરજી કરી હતી. તપાસ અધિકારી તથા સરકારી વકીલ એસ.કે.ત્રિવેદીએ કોર્ટમાં રજૂઆત કરી હતી કે, તપાસ ચાલુ છે. અન્ય કેટલા વ્યક્તિઓને વિદેશ મોકલી છેતરપિંડી કરી છે ? તેની તપાસ હજી બાકી છે. બંને પક્ષની રજૂઆતો સાંભળી એડિશલ સેશન્સ જજ એ.ડી. પાટિલે આરોપીની આગોતરા જામીન અરજી નામંજૂર કરી છે.