એક સમયે ટિકિટો નક્કી કરતા સ્વ.એહમદ પટેલના પુત્ર-પુત્રની ટિકિટ કપાતાં આદિવાસી પૂર્વપટ્ટીમાં કોંગી આગેવાનોના કેસરીયાં
ભાજપના બળવાખોરોની ઘરવાપસી થતાં ક્વાંટ તાલુકા પંચાયત પર ભાજપનો કબજો
વડોદરાઃ છોટાઉદેપુર અને વડોદરા જિલ્લાના કોંગ્રેસના દિગ્ગજ નેતા સહિતના આગેવાનો તેમજ કાર્યકરોએ કોંગ્રેસને રામરામ કરી ભાજપનો ખેસ ધારણ કરી લેતાં આદિવાસી પૂર્વપટ્ટીમાં કોંગ્રેસને મોટો ફટકો પડયો છે.
છોટાઉદેપુર અને વડોદરા જિલ્લામાં છેલ્લા ઘણા સમયથી કોંગ્રેસમાં ઉકળતો ચરૃ હતો.પરંતુ સંગઠનના હોદ્દેદારો આંખ આડા કાન કરી રહ્યા હતા.જેને પગલે ગુજરાત વિધાનસભાના સૌથી સિનિયર ધારાસભ્ય મોહનસિંહ રાઠવા અને તેમના પુત્રોએ કોંગ્રેસને તિલાંજલી આપી ભાજપનો ખેસ પહેર્યો હતો.ત્યારબાદ મોહનસિંહના પુત્ર ધારાસભ્ય તરીકે ચૂંટાયા છે.
કોંગ્રેસના છોટાઉદેપુર જિલ્લાના દિગ્ગજ નેતા એવા પૂર્વ રેલ રાજ્ય મંત્રી નારણભાઇ રાઠવા,ગુજરાત પ્રદેશ કોંગ્રેસના મંત્રી એવા તેમના પુત્ર સંગ્રામસિંહ રાઠવા,તેમના નિકટના ટેકેદાર વડોદરા જિલ્લા કોંગ્રેસના કાર્યકારી પ્રમુખ અભિષેક ઉપાધ્યાય સહિતના આગેવાનો અને કાર્યકરોએ આજે કોંગ્રેસના તમામ હોદ્દા તેમજ પ્રાથમિક સભ્ય પદેથી રાજીનામા ધરી દીધા છે.તેમણે સંગઠન પ્રત્યે મોવડીઓની બેદરકારી અને ચરમસીમાએ પહોંચેલા જ્ઞાાતિવાદના આક્ષેપો કર્યા છે.
નારણભાઇ રાઠવાની આગેવાની હેઠળ આજે કોંગ્રેસના ઉપરોક્ત આગેવાનો કમલમ ખાતે ભાજપના પ્રદેશ પ્રમુખ સહિતના આગેવાનોની હાજરીમાં ભાજપમાં પ્રવેશ લીધો હતો.
ક્વાંટ તાલુકા પંચાયતના પ્રમુખ અને સભ્યો ભાજપમાં જોડાઇ જતાં સત્તા બદલાઇ
છોટાઉદેપુરના કોંગ્રેસના ટોચના નેતાઓ અને તાલુકા પંચાયતના સદસ્યો ભાજપમાં સામેલ થતાં ક્વાંટ તાલુકા પંચાયતમાં કોંગ્રેસના ટેકાથી બળવાખોરોએ મેળવેલી સત્તા ભાજપે પરત હાંસલ કરી છે.
છોટાઉદેપુર જિલ્લાના પૂર્વ રેલ મંત્રી તેમજ અન્ય આગેવાનો મોટી સંખ્યામાં ભાજપમાં સામેલ થતાં તેમની સાથે કોંગ્રેસના ટેકાથી ક્વાંટ તાલુકા પંચાયતના પ્રમુખ બનેલા પિન્ટુ રાઠવા અને અન્ય ચૂંટાયેલા સભ્યો પણ ભાજપમાં પરત ફર્યા છે.જેથી કોંગ્રેસના ટેકાથી બદલાયેલી સત્તા ભાજપે પરત મેળવી છે.
તો બીજીતરફ રાઠવા ત્રિપુટીમાં બે દિગ્ગજ નેતા ભાજપમાં સામેલ થતાં હવે પૂર્વ ધારાસભ્ય સુખરામ રાઠવા અલગ પડયા છે.તેમણે કહ્યું હતું કે,હું વિચારધારા સાથે વરેલો છું.સત્તા મારા માટે ગૌણ છે.હું કોંગ્રેસ સાથે જ રહેવાનો છું.
એક સમયે કોંગ્રેસમાં ટિકિટો નક્કી કરતા સ્વ.એહમદ પટેલના પુત્ર-પુત્રીની ટિકિટ કપાતાં કોંગ્રેસમાં ભંગાણ પડયું
લોકસભાની ભરૃચ બેઠક પર આપ ના ઉમેદવાર નક્કી થતાં અને કોંગ્રેસે મૌન ધારણ કરતાં કોંગ્રેસમાં મોટું ભંગાણ પડયું હોવાનું રાજકીય વર્તુળોમાં ચર્ચાઇ રહ્યું છે.
કોંગ્રેસના દિગ્ગજ નેતા અને શ્રીમતી સોનિયા ગાંધીના રાજકીય સલાહકાર એવા સ્વ.એહમદ પટેલ એક સમયે દેશભરમાં કોંગ્રેસના ઉમેદવારોની ટિકિટો નક્કી કરવામાં મોટી ભૂમિકા ભજવતા હતા.પરંતુ આજે તેમના પુત્ર અને પુત્રીને ટિકિટ માટે મુશ્કેલી પડી રહી છે.
બીજીતરફ આપ સાથે કોંગ્રેસે ગઠબંધન નક્કી કર્યું છે અને આપે ભરૃચ બેઠક પર ઉમેદવાર પણ જાહેર કર્યા હોવા છતાં કોંગ્રેસે ચૂપી સાધી છે.જેને કારણે એહમદ પટેલના નિકટના એવા નારણભાઇ રાઠવાએ કોંગ્રેસને તિલાંજલી આપી હોવાના તર્ક કાર્યકરો કરી રહ્યા છે.