વડોદરાના ફતેગંજ વિસ્તારમાં અશાંત ધારો લગાવવાની રજૂઆતનો હજુ સુધી કોઈ ઉકેલ આવ્યો નથી
વડોદરા,તા.21 ફેબ્રુઆરી 2024,બુધવાર
છેલ્લા કેટલાક વર્ષોથી શહેરના ફતેગંજ વિસ્તારમાં રહેતા નાગરિકોની સંખ્યામાં ધર્મ આધારિત ખૂબ મોટા ફેરફારો નોંધાઈ રહ્યા છે. અહીં વર્ષો અગાઉ રહેતા હિન્દુ લોકો પોતાના મકાન, દુકાન ખાલી કરીને અન્યત્ર જઇ રહ્યા હોવાથી મુસ્લિમોની સંખ્યા ખૂબ ઝડપથી વધી રહી છે. જે તે સમયે આ વિસ્તારમાં અશાંતધારો લાગુ કરવાની ઉગ્ર માંગ અહીંના રહીશો દ્વારા કરવામાં આવી હતી. જે બાદ વિધાનસભાના મુખ્ય દંડક સહિત સ્થાનિક ધારાસભ્યએ આ અંગે વિધાનસભામાં ખરડો લાવવા અંગે ઉચ્ચકક્ષાએ રજૂઆત કરવામાં આવશે તેમ મૌખિક રીતે જણાવ્યું હતું.
હાલ ગુજરાત વિધાનસભાનું સત્ર ચાલી રહ્યું છે. શહેરના ફતેગંજ વિસ્તારમાં ધર્મ આધારિત વસ્તીમાં થઈ રહેલા ખૂબ જ મોટા પરિવર્તન અંગે તેને રોકવા માટે અશાંતધારો લાગુ કરવા અંગેનો કોઈ ઠરાવ રજૂ ન થતાં નાગરિકોમાં અનેક ચર્ચાઓ શરૂ થઈ છે.
રાજ્યના કોઈપણ વિસ્તારમાં અશાંતધારો લાગુ કરવો હોય તો તેનો ખરડો વિધાનસભામાં મંજૂર કરવો પડતો હોય છે. હાલ રાજ્યના અનેક એવા શહેરો છે જ્યાં અગાઉ હિન્દુ વસ્તી વધુ હતી ને ત્યાં હવે ખૂબ જ ઝડપથી આ વસ્તી ઘટી રહી છે અને મુસ્લિમો અહીં મિલકત ખરીદી રહ્યા છે. એ પૈકીના એક મેટ્રોપોલિટન વિસ્તાર ફતેગંજમાં છેલ્લા એક દાયકામાં હિન્દુઓની વસ્તી ઝડપથી ઘટવી અને અનેક મુસ્લિમોએ અહીં પોતાની મિલકતો વસાવી રહ્યા હોવાથી ફતેગંજમાં વસતા હિન્દુઓ તથા અન્ય જાતિના લોકોમાં એક આંતરિક ચિંતા ઊભી થઈ છે. સ્થાનિક રહીશોએ આ મામલે વિધાનસભાના મુખ્ય દંડક બાળુ શુક્લ અને સયાજીગંજના ધારાસભ્ય કેયુર રોકડિયા સુધી પોતાની માંગ રજૂ કરી હતી. ત્યારે તેઓ દ્વારા જે તે સમયે મૌખિક રીતે જણાવાયું હતું કે, ફતેગંજમાં અશાંતધારાનો કાયદો લાગુ કરવો એક લંબાણપૂર્વક પ્રક્રિયા છે અને માત્ર વિધાનસભામાં ગૃહ વિભાગ તેને મંજૂર કરાવી શકે છે. ભાજપના બંને અગ્રણીઓએ આ અંગે ગૃહ મંત્રી હર્ષ સંઘવી સમક્ષ યોગ્ય રજૂઆત કરવાની વાત કરી હતી. હાલ ગુજરાત વિધાનસભાનું સત્ર ચાલી રહ્યું છે અને હવે લગભગ પૂર્ણતાને આરે છે. પરંતુ હજુ સુધી ફતેગંજમાં અશાંતધારો લાગુ કરવાનો મુસદ્દો વિધાનસભાની બેંચ સમક્ષ રજૂ થયો નથી! ત્યારે હવે વર્તમાન વિધાનસભાના સત્રમાં ફતેગંજમાં અશાંતધારો લાગુ થવાની પ્રક્રિયા થશે કે નહીં? તેવી ચર્ચા સ્થાનિક નાગરિકોમાં છે. અહીંના નાગરિકો ચર્ચા કરી રહ્યા છે કે, શહેરના અનેક વિસ્તારો અશાંત ધારામાં આવી ગયા છે પરંતુ ફતેગંજમાં અશાંતધારો લાગુ ન થવા પાછળ અગાઉના ભાજપના ધારાસભ્ય જીતેન્દ્ર સુખડિયાની બેજવાબદારી નીતિ હોવાનું ચર્ચાઈ રહ્યું છે. જે તે સમયે તેમણે ફતેગંજ વિસ્તારને અશાંત ધારામાં લાવી દીધો હોત તો અહીંના રહીશો હાલ જે મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે તેવી પરિસ્થિતિ ઉભી ન થાય. વર્તમાન સયાજીગંજના ધારાસભ્ય કેયુર રોકડિયા અને ફતેગંજમાં અશાંત ધારો લાગુ કરવા સક્રિય બનેલા વિધાનસભાના મુખ્ય દંડક બાળુ શુક્લ આ કામગીરીમાં જવાબદારી ન ચૂકે એવી અહીંના રહીશોની ઈચ્છા છે.
અશાંતધારાની રજૂઆત માટે સ્થાનિક રહીશોને પોલીસ સ્ટેશન ખાતે બોલાવવામાં આવ્યા નથી
વિધાનસભાના મુખ્ય દંડક બાળુ શુક્લની દરમિયાનગીરીથી ફતેગંજમાં અશાંતધારો લાગુ થવાનો કાયદો અમલમાં આવે તે માટે હિન્દુ રહીશોએ જે તે સમયે રજૂઆત કરી હતી. અહીંના ઘણા એવા વિસ્તાર છે જે સયાજીગંજ પોલીસ મથકની હદમાં આવે છે. પરંતુ તેઓને અશાતધારાની રજૂઆત કરવા માટે ફતેગંજ પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાં આવેલ વુડા ઓફિસની બાજુની ફતેગંજ પોલીસ ચોકીમાં બોલાવવામાં આવ્યા હતા. અહીંના રહીશોની મિલકત સયાજીગંજ પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાં આવતી હોવા છતાં તેઓને ફતેગંજ પોલીસ ચોકીમાં રજૂઆત કરવા કેમ બોલાવવામાં આવ્યા? તેવા સવાલો ઊઠવા પામ્યા હતા. એ સમયે એવા જવાબ સામે આવ્યા હતા કે, હાલ તેઓને અહીં બોલાવ્યા છે અને ભવિષ્યમાં સયાજીગંજ પોલીસ મથક હદ વિસ્તારમાં પ્રતાપગંજ પોલીસ ચોકીમાં પણ રજૂઆત કરવા બોલાવવામાં આવશે. પરંતુ ત્યારબાદ રહીશોને ત્યાં કોઈ રજૂઆત કરવા બોલાવવામાં આવ્યા નથી. ત્યારે રહીશોએ કરેલી આ રજૂઆતની હાલ સ્થિતિ શું છે? તે પણ એક મોટો સવાલ છે.