કોયલીમાં એક કિમી જેટલા ઊંડા વરસાદી કાંસ પર રોડ બનાવી દેતાં જળબંબાકારનો ભય
વડોદરાઃ વડોદરા નજીક કોયલીમાં વરસાદી કાંસ પુરી દઇ રોડ બનાવી દેતાં આગામી ચોમાસામાં પાણીનો નિકાલ નહિં થવાથી જળબંબાકાર થઇ જવાની દહેશત વ્યક્ત કરવામાં આવી છે.
કોયલીમાં પોલીસ ચોકી થી ભાગોળ સુધી તેમજ તેની આસપાસના વિસ્તારમાં ૮ થી ૧૦ ફૂટનો કાંસ પસાર થતો હોવા છતાં વરસાદી પાણી ભરાતું હોવાના બનાવ બનતા હતા.
પરંતુ વુડા દ્વારા આ સ્થળે કાંસ પુરીને રોડ બનાવવામાં આવ્યો છે.જેને કારણે અંદાજે એક કિમી વિસ્તારમાં પાણીના મોટા કાંસને બદલે રોડની નીચે બે-ચાર ફૂટની નાની પાઇપો નાંખવામાં આવી છે.જેથી ચોમાસા દરમિયાન આ વિસ્તારમાં પાણીનો નિકાલ ખૂબ જ ધીમો થશે અને તેને કારણે પુરની સ્થિતિ સર્જાશે તેવી દહેશત સેવાઇ રહી છે.