Get The App

વડોદરા ગેંગરેપના નરાધમોએ નશાકારક પદાર્થનું સેવન કર્યુ હોવાની શક્યતા, ટપલી દાવ કરતા પોલીસ દોડતી થઇ

Updated: Oct 9th, 2024


Google NewsGoogle News

 વડોદરા ગેંગરેપના નરાધમોએ નશાકારક પદાર્થનું સેવન કર્યુ હોવાની શક્યતા, ટપલી દાવ કરતા પોલીસ દોડતી થઇ 1 - image

Bhayali Gangrape Case : ભાયલી ગામની સીમમાં સન માર્ટિન મેડ્રિક સોસાયટીના પાછળના ભાગે બોય ફ્રેન્ડ સાથે બેસેલી યુવતી સાથે ગેંગરેપ કરવાના ગુનામાં પકડાયેલા ત્રણ આરોપીઓને આજે ચુસ્ત પોલીસ બંદોબસ્ત સાથે કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતા. તપાસ અધિકારીની રજૂઆત બાદ  અદાલતે પાંચ આરોપીઓના 10 મી તારીખ સુધીના રિમાન્ડ મંજૂર કર્યા છે.

મંગળવારે બપોરે ઓળખ પરેડ કરાવ્યા પછી પોલીસે ગેંગરેપના પાંચ  આરોપીઓને સ્પેશ્યલ પોક્સો કોર્ટમાં રજૂ કરી 14 દિવસના રિમાન્ડની માંગણી કરી હતી. પોલીસે રજૂ કરેલા13 મુદ્દાઓમાં તપાસ કરવાની બાકી હોવાની મુખ્ય રજૂઆત હતી. પોલીસે જણાવ્યું હતું કે, આરોપીઓએ ગુનો કરતા સમયે પહેરેલા કપડા કબજે કરવાના બાકી છે. ભોગ બનનાર કિશોરીનો મોબાઇલ  ફોન અને ગુનામાં વપરાયેલી બાઇક કબજે કરવાના છે. જેમાં આરોપીઓની  હાજરીની જરૂરિયાત છે. આરોપીના મેડિકલ ટેસ્ટ માટે સેમ્પલ લેવાના છે. 

આરોપીઓ મૂળ યુ.પી. ના વતની હોઇ  વતનમાં ગુનાઇત ભૂતકાળ હોવાની શક્યતા છે. તે અંગે  પણ માહિતી મેળવવાની  છે. આરોપીઓએ ગુનો કર્યા પહેલા યોજના બનાવી હોવાની શક્યતા છે. આરોપીઓને કોઇએ ત્યાં જવાની સલાહ આપી હોવાની શક્યતા છે. તે અંગે તપાસ કરવાની છે. ગુનો કરતા પહેલા ક્યાં ભેગા થયા હતા? તે અંગે  પૂછપરછ કરવાની છે. આરોપીઓના મોબાઇલની ડિટેલ મેળવી તપાસ કરવાની છે. આરોપીઓએ ગુનો કરતા સમયે કોઇ નશાકારક પદાર્થનું સેવન કર્યુ હોવાની શક્યતા છે. તે અંગે તપાસ કરવાની છે. 

ગુનાવાળી જગ્યાએથી એક ચશ્મા મળી આવ્યા છે. તે ચશ્મા કોના છે? તે અંગે આરોપીઓ પાસેથી માહિતી મેળવવાની છે. સરકાર તરફે મુખ્ય સરકારી વકીલ અનિલ દેસાઇએ રજૂઆતો કરી હતી. અદાલતે આરોપીઓના આગામી તા. 10 મી ના બપોરના ત્રણ વાગ્યા સુધીના રિમાન્ડ મંજૂર  કર્યા છે.

એક આરોપીએ બૂમ પાડીને કહ્યું,સાહેબ અમને જેલમાં મોકલી દો

વડોદરા ગેંગરેપ કરનાર પાંચ આરોપીઓને કોર્ટમાં રજૂ કરાયા ત્યારે લોકોના ટોળા ભેગા થઇ ગયા હતા. સ્થળ પર  હાજર લોકોએ આરોપીઓનો ટપલી દાવ કર્યો હતો. પોલીસે ચુસ્ત બંદોબસ્ત સાથે પાંચેય આરોપીઓને કોર્ટમાં રજૂ કર્યા હતા. રિમાન્ડ અરજીની સુનાવણી દરમિયાન પાંચ પૈકીના એક આરોપીએ બૂમ પાડીને કહ્યું હતું કે, સાહેબ અમને જેલમાં મોકલી દો. એક જ આરોપીએ બે વખત આ રીતે બૂમ પાડની કહેતા પોલીસે તેને શાંત કરાવ્યો હતો. ભરચક કોર્ટમાં  હાથ ધરાયેલી સુનાવણી દરમિયાન આરોપી તરફે લિગલ સેલમાંથી બચાવ પક્ષે એક વકીલ હાજર થયા હતા. અન્ય કોઇ વકીલે પોતાનું વકીલ પત્ર  રજૂ કર્યુ નહતું.

કુલ પાંચ આરોપીઓની ધરપકડ : અન્ય આરોપીઓની સંડોવણીની શક્યતા

વડોદરા ગેંગરેપના કેસમાં તાલુકા પોલીસે ગુનો દાખલ કરી ત્રણ આરોપીઓની ધરપકડ કરી હતી. આરોપીઓની પૂછપરછ દરમિયાન અન્ય બે આરોપીઓના નામ ખૂલતા પોલીસે તેઓને પણ દબોચી લીધા હતા. પકડાયેલા બે આરોપીઓમાં સૈફઅલી મહેંદી હસન બનજારા, ઉં.વ.21 તથા અજમલ સત્તારભાઇ બનજારા, ઉં.વ.22 ( બંને રહે. ચોતરા  પાસે,કાળી તલાવડી, તાંદલજા, મૂળ રહે.યુ.પી.) નો સમાવેશ થાય છે. આ અગાઉ પોલીસે શાહરૃખ કિસ્મતઅલી બનજારા, મુમતાજ ઉર્ફે આફતાબ સૂબેદાર બનજારા તથા  મુન્ના અબ્બાસભાઇ બનજારાની ધરપકડ કરવામાં આવી હતી.પોલીસને શંકા છે કે, આ ગુનામાં અન્ય આરોપીઓ પણ સામેલ છે. ગુનો કર્યા પછી આરોપીઓ ક્યાં ગયા હતા ? કોને આશ્રય આપ્યો હતો ? કોને મદદ કરી હતી ? તે અંગે પોલીસે તપાસ શરૂ કરી છે.


Google NewsGoogle News