સેવાસીમાં બાળક ઉઠાવી જવા મુદ્દે ગ્રામજનોનો ભારે હોબાળો
હોટલમાં કૂક તરીકે કામ કરતો પરપ્રાંતિય દારૃ પીધેલો જણાયો
વડોદરા, તા.2 વડોદરા નજીક આવેલા સેવાસી ગામમાં એક બાળકને ઉઠાવી જવા મુદ્દે આજે સાંજે ભારે હોબાળો મચ્યો હતો. જો કે બાદમાં બાળક ઉઠાવી જવાનો આક્ષેપ જેના પર કરાયો હતો તે દારૃ પીધેલો હોવાનું બહાર આવતાં મામલો થાળે પડયો હતો.
આ અંગેની વિગત એવી છે કે સેવાસીમાં આજે સાંજે એક યુવાન બાળકને ઉઠાવી જાય છે તેવી વાતના પગલે ફળિયાના લોકો ભેગા થઇ ગયા હતા અને બાળકને છોડાવી યુવાનને ઝડપી પાડી સેવાસી પોલીસચોકી પર લઇ જવાયો હતો. લોકોએ એવો આક્ષેપ કર્યો હતો કે યુવાન બાળકને ઉઠાવી જવાનો પ્રયત્ન કરતો હતો પરંતુ અમે તેને ઝડપી પાડયો હતો. પોલીસે ઝડપાયેલા યુવાનની તપાસ કરતાં તે ચિક્કાર દારૃ પીધેલી હાલતમાં જણાયો હતો.
દરમિયાન તાલુકા પોલીસે તેની સામે દારૃ પીધેલાનો કેસ કર્યો હતો. ગ્રામજનોએ ઝડપી પાડેલા શખ્સનું નામ પૂછતાં તુલસીરામ નરબહાદુર અધિકારી જણાવ્યું હતું. પોલીસે જણાવ્યું હતું કે સેવાસી પાસેની એક હોટલમાં તે કૂક તરીકે બે દિવસ પહેલાં જ કામ કરવા માટે આવ્યો હતો. તેના ગુનાઇત ઇતિહાસની તપાસ કરતાં કોઇ ગુનો નહી હોવાનું પ્રાથમિક રીતે જણાયું હતું.