વડોદરામાં ONGCના કર્મચારીના ઘરમાંથી રૂ.53 હજારની ચોરી
image : Freepik
Theft Case Vadodara : વડોદરાની ઓ.એન.જી.સી કંપનીમાં નોકરી કરતો યુવક પોતાના પરિવાર સાથે જામનગર ખાતે ગયો હતો. તે દરમિયાન તસ્કરોએ તેમના બંધ મકાનને નિશાન બનાવ્યું હતું અને તિજોરીમાં મુકેલા સોના ચાંદીના દાગીના મળી 53,000 ની ચોરી કરીને ફરાર થઈ ગયા હતા. પાડોશીએ ચોરી થયાને જાણ કરતાં તેઓ ઘરે દોડી આવી ચોરીની ફરિયાદ નોંધાવી હતી.
વડોદરા શહેરના માંજલપુર વિસ્તારમાં આવેલા ક્રિષ્ના ફ્લેટમાં રહેતા ઉદયકુમાર વિરમરામ લોંગેશાએ પોલીસ ફરિયાદ નોંધાવી છે કે હું ઓ.એન.જી.સી કંપની ખાતે નોકરી કરી મારા પરીવારનું જીવન ગુજરાન ચલાવુ છુ.ગઇ તા.11/07/2024 ના રોજ રાત્રીના સુમારે હું તથા મારી પત્ની કવીતા તથા મારો દિકરો જય મકાનના દરવાજાને લોક મારી કામ અર્થે જામનગર ખાતે ગયા હતા. તા.12/07/2024 ના રોજ સવારના દશેક વાગ્યાના સુમારે અમારા સોસાયટીના રહીશે ફોન જણાવ્યું હતું કે તમારા મકાનનું તાળુ તૂટેલ છે અને ઘરમાં ચોરી થઈ છે. જેથી મેં અમારા પાડોશીને ફોન કરી અમારા મકાનનું લોક મારવાનું કહ્યું હતું. ત્યારબાદ તા.15/07/2024 ના રાત્રીના બે વાગ્યાના સુમારે અમે ઘરે આવી ગયા હતા. ત્યારે અમારા ઘરમાં તપાસ કરતા અંદરની રૂમમાં તિજોરી ખુલ્લી હાલતમાં હતી અને તેમાં મુકેલો તમામ સર સામાન વેર-વિખેર કરી નાખેલો હતો. તીજોરીના ડ્રોવરમાં ચેક કરતા અંદર સોના-ચાંદી તથા રોકડા રૂપીયા મળી 53 હજારની ચોરી કરી ફરાર થઈ ગયા હોવાનું માલૂમ પડ્યું હતું. પોલીસે તેમની ફરિયાદના આધારે તસ્કરોની શોધખોળ હાથ ધરી છે.