ભાયલી બાદ દુમાડમાં ચોરો ત્રાટક્યા એક જ સોસાયટીના બે મકાનમાં ચોરી
દ્વારકા પ્રવાસ ગયેલા પરિવારના બંધ ઘરમાં દાગીના, રોકડ ચોરો ઉઠાવી ગયા
વડોદરા, તા.17 વડોદરા જિલ્લામાં ચોર ટોળકીએ અડ્ડો જમાવ્યો હોય તેમ લાગે છે. બે દિવસ પહેલાં ભાયલીમાં ચોરો ત્રાટક્યા બાદ બીજા દિવસે જ દુમાડની સોસાયટીમાં બે મકાનને નિશાન બનાવી દાગીના અને રોકડ ઉઠાવી ગયા હતાં.
દુમાડ ગામ પાસે નિસર્ગ હોમ્સમાં રહેતાં મનિષ અમરસિંહ રાઠોડ મંજુસરની ખાનગી કંપનીમાં ફરજ બજાવે છે. તા.૧૧ના રોજ તેઓ પરિવારના સભ્યો સાથે દ્વારકા ખાતે પ્રવાસમાં ગયા હતાં અને વાસી ઉત્તરાયણની રાત્રે ઘેર પરત ફર્યા હતાં. ઘરના દરવાજાનું તાળું ખોલી અંદર પ્રવેશ કર્યો ત્યારે સામાન વેરવિખેર હતો તેમજ પાછળનો દરવાજો પણ ખુલ્લો અને દરવાજાની બાજુમાં લોખંડની ગ્રીલ તૂટેલી જણાઇ હતી.
મનિષભાઇએ ઉપરના માળે જઇને તપાસ કરતાં કબાટ ખુલ્લુ હતું અને અંદર મૂકેલ ચાંદીના સિક્કા તેમજ સોનાના દાગીના મળી કુલ રૃા.૪૦ હજારની મત્તા ગાયબ હતી. દરમિયાન સોસાયટીમાં જ રહેતાં કરણ જશભાઇ પટેલના ઘરમાં પણ ચોરોએ રોકડ રૃા.૫૦ હજાર અને સોનાના દાગીના મળી કુલ રૃા.૫૯ હજારની મત્તા ચોરી થઇ હોવાનું જણાયું હતું. એક જ સોસાયટીમાં કુલ રૃા.૯૯ હજારની મત્તા ચોરી થઇ હોવાની મંજુસર પોલીસ સ્ટેશનમાં ફરિયાદના પગલે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.