તેજસ રાજધાની એક્સપ્રેસ ટ્રેનમાં પણ સલામતી નથી ઃ ૪.૧૭ લાખની ચોરી
સુરતનો યુવાન ઊંઘી ગયો અને વડોદરા જાગ્યો તો રોકડ મૂકેલ બે કવરો બેગમાંથી ગાયબ થઇ ગયા હતાં
વડોદરા, તા.26 રેલવેની તેજસ રાજધાની એક્સપ્રેસ ટ્રેનમાં પણ રેલવે મુસાફરનો પ્રવાસ સલામત નથી રહ્યો. આ ટ્રેનમાં સુરતના એક પ્રવાસીની રોકડ રૃા.૪.૧૭ લાખ મૂકેલ બે કવરની ચોરી થઇ હતી.
સુરતના વેસુ વિસ્તારમાં સુમલ મલ્હાર સોસાયટીમાં રહેતા કૃણાલ કમલેશકુમાર ચેવલીએ રેલવે પોલીસ સ્ટેશનમાં નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું છે કે હું સુરતમાં વરાછા વિસ્તારમાં પાર્શ્વ ડાયમંડ નામની પેઢીમાં એકાઉન્ટન્ટ તરીકે નોકરી કરું છું. તા.૨૩ના રોજ મારા શેઠ કમલ શાહે બે પાર્સલ આપ્યા હતાં અને ફરિદાબાદ ખાતે મિત્ર અભિષેક દાલમીયાને પહોંચાડવા જણાવ્યું હતું. તેમની સુચના મુજબ હું રાજધાની એક્સપ્રેસ ટ્રેનમાં દિલ્હી ગયો હતો જ્યાં કંપનીનો રવિ નામનો માણસ ગાડી લઇને મને લેવા માટે આવ્યો હતો અને તે ગાડીમાં બેસીને હું ફરિદાબાદ ખાતે ગ્રીન ફિલ્ડ કોલોની ખાતે ગયો હતો.
મારા શેઠે આપેલા બે પાર્સલ મેં આપી દીધા બાદ ડ્રાઇવર મને દિલ્હી ચાંદનીચોક ખાતે લઇ ગયો હતો જ્યાં ડ્રાઇવરે મને બે સફેદ કાગળના પેકિંગ કરેલા કવરો આપ્યા હતા અને કવરોમાં જોખમ (પૈસા) છે તેમ જણાવ્યું હતું. આ બે કવરો લઇને હું દિલ્હી રેલવે સ્ટેશન પર પહોંચ્યો હતો અને ત્યાંથી તેજસ રાજધાની એક્સપ્રેસ ટ્રેનના બી-૭ કોચમાં બેસી સુરત પરત જવા નીકળ્યો હતો.
રાત્રિ મુસાફરી હોવાથી જમીને હું ઊઘી ગયો હતો અને વહેલી સવારે ટ્રેન વડોદરા આવતા હું જાગી ગયો હતો. મેં મારી બેગમાં તપાસ કરતાં બંને કવરો જણાયા ન હતાં. આ અંગે મેં મારા શેઠને એસએમએસ કર્યો હતો બાદમાં તેમનો ફોન આવ્યો હતો અને કવરમાં રૃા.૪.૧૭ લાખ રોકડ હોવાનું જણાવી તેમણે પોલીસ ફરિયાદ કરવા કહ્યું હતું. પોલીસે જણાવ્યું હતું કે તેજસ રાજધાની એક્સપ્રેસ ટ્રેનમાં થયેલી ચોરીની ફરિયાદ અંગે પ્રવાસીઓની વિગતો તેમજ સીસીટીવી કેમેરાના ફૂટેજ મંગાવ્યા છે. ટ્રેનમાં જ પ્રવાસ કરતો કોઇ અપટુ ડેટ ગઠિયો રોકડ ચોરી કરી હોવાની પ્રાથમિક શંકા છે.