બીમાર પુત્રીનાં ઘેર ગયેલી નિવૃત્ત રેલવે કર્મચારીના દાગીના ચોરાયા
જયરત્ન બિલ્ડિંગ પાસેના એક ગોડાઉનમાંથી ગેસની સગડીઓ અને તેની પાઇપ તેમજ બર્નરોની ચોરી
વડોદરા, તા.1 બીમાર પુત્રીના ઘેર ગયેલી રેલવેની નિવૃત્ત મહિલા કર્મચારીના દંતેશ્વર ખાતેના બંધ મકાનને નિશાન બનાવી ત્રાટકેલા ચોરો તિજોરીમાંથી સોના-ચાંદીના દાગીના અને રોકડ ઉઠાવી ગયા હતાં.
દંતેશ્વર વિસ્તારમાં ઘાઘરેટીયા ખાતે વેરાઇમાતાના મંદિર પાસે રહેતી વૃધ્ધા લલીતા ભીખાભાઇ વસાવાએ મકરપુરા પોલીસ સ્ટેશનમાં નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું છે કે રેલવેમાંથી નિવૃત્ત થયા બાદ હાલ હું નિવૃત્તિ જીવન જીવું છું. વાઘોડિયારોડ પર શ્યામલ કાઉન્ટી ખાતે રહેતી મારી પુત્રી હેતલની તબિયત સારી નહી હોવાથી હું તા.૨૬ના રોજ પુત્રીના ઘેર મારુ ઘર બંધ કરીને ગઇ હતી.
બીજા દિવસે સવારે મારા ઘરના દરવાજાનું તાળું તૂટેલું અને ઘરમાં ચોરી થઇ હોવાની જાણ થતાં હું ઘેર આવી ત્યારે એક રૃમમાં મૂકેલી લોખંડની તિજોરીનું લોક તોડી તેમાંથી ડ્રોઅર બેડ પર પડેલા જોયા હતાં. તિજોરીમાં મૂકેલ સોના-ચાંદીના દાગીના અને રોકડ મળી કુલ રૃા.૧.૯૫ લાખની મત્તા ચોરી થઇ હોવાનું જણાયું હતું. મકરપુરા પોલીસે આ અંગે વધુ તપાસ હાથ ધરી છે.
ચોરીના અન્ય બનાવમાં બકરાવાડી વિજય સોસાયટીમાં રહેતા ઇન્દ્રવદન અંબાલાલ પટેલ ભવાની ટ્રેડર્સ નામે ગેસ સગડીના સ્પેર પાર્ટસની દુકાન ધરાવે છે. તેનું ગોડાઉન જયરત્ન બિલ્ડિંગ પાસે રચના એપાર્ટમેન્ટના ગ્રાઉન્ડ ફ્લોરમાં આવેલું છે. આ ગોડાઉનના શટરનું લોક નકલી ચાવીથી ખોલી કોઇ અજાણ્યો શખ્સ અંદરથી ૧૨ નંગ ગેસ સગડી, સગડીમાં લગાવવાની પાઇપના રોલ અને સગડીના બર્નરો મળી કુલ રૃા.૫૫૨૦૦ની મત્તા ચોરી કરી ગયો હતો. આ ચોરી દુકાનમાં અગાઉ કામ કરતાં ધર્મેશ પવાર નામની વ્યક્તિએ કરી હોવાની આશંકા સાથે ઇન્દ્રવદનભાઇએ નવાપુરા પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી.