પ્રતાપનગરમાં ચોરો દાગીના, રોકડ સહિત ૬.૦૬ લાખની મત્તા ઉઠાવી ગયા
ન્યુ વીઆઇપીરોડ પર ટ્રાન્સપોર્ટર પરિવાર સાથે રાજસ્થાન ગયો અને ઘરમાં ચોરી થઇ
વડોદરા, તા.14 શહેરના પ્રતાપનગર અને ન્યુવીઆઇપીરોડ ખાતે ત્રાટકેલા ચોરો બે મકાનમાંથી કુલ રૃા.૭.૯૧ લાખની મત્તા ઉઠાવી ગયા હતાં.
પ્રતાપનગર વિસ્તારમાં ભગવતી એસ્ટેટ સામે બાવરી કુંભારવાડામાં રહેતા નયન પરસોત્તમ માળીએ વાડી પોલીસ સ્ટશનમાં નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું છે કે હું ડ્રાઇવિંગ કરું છું. મારી પત્ની ગર્ભવતી હોવાથી તેમજ અમારુ કુંટુંબ મોટું હોવાથી અમે વિહાર ટોકિઝ સામેના સાત્વિક એપાર્ટેમેન્ટમાં રહેવા માટે ગયા હતાં. એક માસથી અમે ત્યાં રહેતા હતા પરંતુ મોટાભાગનો સામાન બાવરી કુંભારવાડા ખાતેના મકાનમાં રાખ્યો હતો. હું અને મારા પિતા તે ઘરમાં ચેક કરવા રોજ જતા હતાં.
ગઇકાલે સવારે મારા પિતા ત્યાં ગયા ત્યારે જાળી અને દરવાજાનું તાળું તૂટેલું જણાયું હતું જેથી મને તેમણે બોલાવ્યો હતો. હું ત્યાં પહોંચ્યો ત્યારે તિજોરીનો સામાન વેરવિખેર હતો, તિજોરીનું ચોરખાનાનું લોક પણ તૂટેલું હતું અને અંદરથી સોના-ચાંદીના દાગીના તેમજ રૃા.૨૫ હજાર રોકડ મળી કુલ રૃા.૬.૦૬ લાખની મત્તા ચોરી થઇ હોવાનું જાણવા મળ્યું હતું.
ચોરીના અન્ય બનાવમાં ન્યુ વીઆઇપીરોડ પર આવેલ સિધ્ધાર્થનગરમાં રહેતા ટ્રાન્સપોર્ટર બરદીચંદ ગોપાસલાલ તેલી તા.૮ના રોજ સામાજિક પ્રસંગના કારણે પરિવારના સભ્યો સાથે રાજસ્થાનના ભીલવાડા ગયા હતાં. તેઓ તા.૧૨ના રાત્રે પરત આવ્યા ત્યારે ઘરના દરવાજાનું ઇન્ટરલોક તૂટેલું હતું અને બેડરૃમમાં મૂકેલી લોખંડની તિજોરી પણ તૂટેલી તેમજ સામાન વેરવિખેર હતો. ચોરો અંદરથી સોના-ચાંદીના દાગીના તેમજ રોકડ રૃા.૫૦ હજાર મળી કુલ રૃા.૧.૮૫ લાખની મત્તા ઉઠાવી ગયા હતાં. આ અંગે હરણી પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.