દિવાળીમાં ચોર ટોળકીનો તરખાટ ન્યૂ વીઆઈપી રોડ, ડભોઇ રોડ અને તરસાલીના મકાનમાં ચોરી
સોના - ચાંદીના દાગીના અને રોકડા મળી ત્રણ લાખ ઉપરાંતની મતા લઇ જતા ચોર
વડોદરાન્યૂ વીઆઈપી રોડ, ડભોઇ રોડ અને તરસાલીના બંધ મકાનને નિશાન બનાવીને ચોર ટોળકી ત્રણ લાખ ઉપરાંતની માતા ચોરી ગઈ હતી. જે અંગે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.
ન્યૂ વીઆઇપી રોડ નારાયણ સોસાયટીમાં રહેતા વિજયભાઈ સૂર્યકાંતભાઈ દવે મંજુસર જીઆઇડીસી ની ખાનગી કંપનીમાં ઓપરેટર તરીકે નોકરી કરે છે. તેમના પત્ની નિમિષાબેન કાશીબા ચિલ્ડ્રન હોસ્પિટલમાં આઈસીયુ ઇન્ચાર્જ તરીકે નોકરી કરે છે. ગત ૨૨ મી ઓક્ટોબરે નવરાત્રિના તહેવારમાં તેઓ વતન ખેડા જિલ્લાના વસો ગામમાં ગયા હતા. તે દરમિયાન તેમના મકાનના દરવાજાનું ઇન્ટરલોક તોડી ઘરમાં ઘુસેલા ચોર સોના ચાંદીના દાગીના તથા રોકડા પાંચ હજાર મળી કુલ ૧.૯૮ લાખની માતા ચોરી ગયા હતા. જે અંગે તેમણે બાપોદ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે.
જ્યારે અન્ય એક બનાવામાં તરસાલી મોતીનગરમાં રહેતા વશિ શશીકાંતભાઇ શાહ ઇમિટેશન જ્વેલરી ની દુકાન ચલાવે છે. ગત ૧૫મી તારીખે મકાનને લોક મારીને પરિવાર સાથે માંજલપુર ધર્મરાજ નગરમાં રહેતા માતા ના ઘરે ગયા હતા. અને બીજે દિવસે સવારે સવા દશ વાગ્યે તેમના મકાને પરત આવ્યા હતા. તે દરમિયાન ચોર ટોળકી તેમના ઘરમાંથી સોના ચાંદીના દાગીના તથા રોકડા ૧૦ હજાર મળી કુલ ૭૮,૭૭૨ રૃપિયાની માતા ચોરી ગઈ હતી.
ચોરીના અન્ય એક બનાવની વિગત એવી છે કે,મૂળ ડભોઇ તાલુકાના ભીલાપુર ગામે રહેતા મહેશભાઇ જીવનભાઇ ઓડ રેતી કપચીનો ટ્રાન્સપોર્ટનો ધંધો કરે છે. હાલમાં ડભોઇ રોડ રૃદ્રાક્ષ રેસિડેન્સીમાં ભાડાના મકાનમાં રહે છે. ગત તા.૧૧મી એ રાતે સાડા આઠ વાગ્યે પત્ની અને સંતાનો સાથે વતન ભીલાપુર ગયા હતા. તે દરમિયાન તેમના બંધ મકાનના તાળા તોડીને ચોર ટોળકી સોનાના દાગીના અને રોકડા મળી કુલ રૃપિયા ૫૩,૫૦૦ની મતા ચોરી ગઇ હતી. જે અંગે વાડી પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.