ટ્રેનમાં મોબાઇલચોર ત્રાટક્યા ગોવામાં ઇવેન્ટના કામ બાદ પરત ફરતા યુવાનોના મોબાઇલ ચોરાયા
રાજકોટનું દંપતી ઊંઘી ગયું અને ગઠિયો પર્સ ઉઠાવી ગયો
વડોદરા, તા.10 ગોવામાં ઇવેન્ટનું કામ કરી પરત ફરતા વડોદરાના બે યુવાનો સહિત ત્રણ રેલવે પ્રવાસીના કિંમતી સામાનની ચોરી થતાં પોલીસે તપાસ શરૃ કરી છે.
આ અંગેની વિગત એવી છે કે વડોદરાના સોમાતળાવ પાસે સમૃધ્ધિ રેસિડેન્સીમાં રહેતો મયંક ગિરીશ મકવાણા તેમજ માંજલપુરમાં જીઆઇડીસી પાણીની ટાંકી પાસે વિહળનગરમાં રહેતો ધુ્રવ રતીલાલ સોલંકી બંને ઇવેન્ટના કામથી ગોવા ગયા હતાં. ઇવેન્ટનું કામ પૂરું થઇ જતાં બંને મડગાંવ રેલવે સ્ટેશનથી મડગાંવ-હાપા એક્સપ્રેસ ટ્રેનના રિઝર્વેશન કોચમાં બેસી વડોદરા પરત ફરતાં હતાં. મોડી રાત્રે ટ્રેન વડોદરા રેલવે સ્ટેશન પર આવી ત્યારે બંને યુવાનોને ખબર પડી કે તેમના મોબાઇલની ચોરી થઇ છે.
અન્ય બનાવમાં રાજકોટમાં સિંધી કોલોનીમાં ઝુલેલાલનગર ખાતે રહેતાં દિપક લાલચંદ રામવાણી હોઝીયરીનો વેપાર કરે છે. તેઓ પત્ની સાથે ફરવા ગયા હતા અને ઘેર પરત ફરવા માટે એર્નાકુલમ-ઓખા એક્સપ્રેસ ટ્રેનમાં પ્રવાસ કરતાં હતાં. ટ્રેન વડોદરા રેલવે સ્ટેશન પર વહેલી સવારે આવી ત્યારે ઊઘમાથી જાગી જતા ખબર પડી હતી કે રોકડ, મોબાઇલ સહિત રૃા.૧૩૫૦૦ની મત્તા મૂકેલા પર્સની ચોરી થઇ છે. ઉપરોક્ત ચોરીના બનાવો અંગે રેલવે પોલીસે ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.