દાંડિયાબજારની જવેલર્સ શોપમાંથી રૃા.૨૯ લાખ કિંમતના દાગીનાની ચોરી કરીને ભાગેલા ચાર ચોરો દુમાડ પાસે ઝડપાયા
દુમાડ ચોકડી પાસે શંકાસ્પદ ઉભેલા બે ચોરને જિલ્લા પોલીસે ઝડપતા ચોરીનો ભેગ ખૂલ્યો ઃ ગણતરીની મિનિટોમાં જ ચોરો ઝબ્બે
વડોદરા, તા.23 શહેરના દાંડિયાબજાર વિસ્તારમાં આવેલી જવેલર્સ શોપમાંથી વહેલી સવારે લાખો રૃપિયાના સોના-ચાંદીના દાગીનાની ચોરી કરીને ભાગેલા ચાર ચોરોને મંજુસર પોલીસે દુમાડ ચોકડી પાસેથી ચોરીના દાગીના સાથે ગણતરીના કલાકોમાં જ ઝડપી પાડયા હતાં.
આ અંગેની વિગત એવી છે કે દુમાડ ચોકડી વિસ્તારમાં જિલ્લા પોલીસનો સ્ટાફ પેટ્રોલિંગમાં હતો અને વહેલી સવારે દુમાડ ચોકડી પાસેના દરગાહ પાસે બે શખ્સો બાઇક પર શંકાસ્પદ હાલતમાં ઊભા હતાં જેથી પોલીસે બંનેને કોર્ડન કરી ઝડપી પાડયા હતાં અને તેમની પાસેના થેલામાં તપાસ કરતાં સોના-ચાંદીના દાગીનાનો મોટો જથ્થો જણાયો હતો. આ દાગીનાના બિલની માંગણી કરતાં તેઓની પાસે મળ્યા ન હતાં જેથી બંનેની ઝીણવટભરી પૂછપરછ કરતાં દાગીના ચોરીના હોવાની કબૂલાત કરી હતી.
બંનેએ જણાવ્યું હતું કે અમે તેમજ અન્ય બે મિત્રો દેવાભાઇ રાવળ અને પ્રદિપ રાવળે દાંડિયાબજાર વિસ્તારમાં આવેલી ગોલ્ડ પોઇન્ટ નામની જવેલર્સ દુકાનમાંથી વહેલી સવારે દાગીનાની ચોરી કરી હતી. દુકાનના ગલ્લામાંથી મળેલી રોકડ દેવાભાઇ અને પ્રદિપ બંને લઇને જતા રહ્યા છે. બાદમાં પોલીસે દેવાભાઇ અને પ્રદિપને પણ ઝડપી પાડયા હતાં. ચારેય ચોરો પાસેથી સોનાના ૧૨ મંગળસૂત્ર, ૧૪ ચેન, ૨૦ પેન્ડન્ટ, મળી કુલ રૃા.૨૧.૨૫ લાખ કિંમતના ૪૦૫ નંગ દાગીના તેમજ ચાંદીના કડા ૧૮૪ નંગ, ચેન ૧૦૭, સિક્કા ૨૨ બ્રેસલેટ ૯૦ મળી કુલ રૃા.૭.૬૨ લાખ કિંમતના ચાંદીના ૧૦૪૪ નંગ દાગીના તેમજ અન્ય દાગીના, ત્રણ મોબાઇલ, એક બાઇક અને ચોરીના સાધનો મળી કુલ રૃા.૨૯.૫૪ લાખનો મુદ્દામાલ કબજે કર્યો હતો.
મંજુસર પોલીસે સંજય હસમુખભાઇ રાવળ (રહે.જરગાલ તા.ગળતેશ્વર, જિલ્લો ખેડા), કિશન છોટાભાઇ રાવળ (રહે.નવાપુરા, તા.આણંદ), દેવાભાઇ કાંતિભાઇ રાવળ (રહે.ઇંટવાડ, તા.ડેસર) અને પ્રદિપ રમેશભાઇ પટેલ (રહે.અમરેશ્વર, તા.વાઘોડિયા)ને ચોરીના સોના અને ચાંદીના દાગીના સાથે ધરપકડ કરી આ અઁગે રાવપુરા પોલીસને જાણ કરવામાં આવી હતી.