ડભોઇમાં ભરબપોરે ચોર ઘરમાં ઘૂસ્યો ઃ દાગીના, રોકડ લઇ ફરાર
સીસીટીવીના આધારે તપાસ હાથ ધરી રેલવે સ્ટેશન પાસેથી ચોર ઝડપાયો ઃ ઘરમાંથી ચોરીના સામાન પણ મળ્યો
વડોદરા, તા.13 ડભોઇમાં ભરબપોરે ઘરમાં ઘૂસેલો ચોર તિજોરીઓમાંથી સોના-ચાંદીના દાગીના અને રોકડ ઉઠાવી ગયો હતો. ઘરમાં હાજર વૃધ્ધાની નજર સામેથી જ ચોર પસાર થયો હતો. આ અંગે પોલીસમાં ફરિયાદ નોંધાયા બાદ પોલીસે સીસીટીવીના આધારે ચોરને શોધી કાઢ્યો હતો.
આ અંગેની વિગત એવી છે કે ડભોઇમાં સ્ટેશનરોડ પર વૃંદાવન સોસાયટીમાં રહેતા અંકિત ઇન્દ્રવદન પટેલ ખાનગી કંપનીમાં મેનેજર તરીકે નોકરી કરે છે જ્યારે તેમના પત્ની લેબોરેટરી ચલાવે છે. તા.૧૧ના રોજ અંકિતભાઇ નોકરી પર હતા અને પત્ની લેબોરેટરી પર હતા જ્યારે અંકિતભાઇના માતા અને પિતા ઘેર હતાં. અંકિતભાઇના માતા ઉપરના માળે ઘઉંમાં દીવેલ લગાવતા હતાં ત્યારે નીચે અવાજ આવતા તેઓ નીચે ઉતર્યા ત્યારે ઘરમાં એક પાતળી કાઠીનો એક યુવાન જણાયો હતો. માતાએ કોણ છે? તેમ પૂછતાં જ અજાણ્યો યુવાન ભાગી ગયો હતો.
આ ઘટનાની જાણ અંકિતભાઇ તેમજ તેમના પત્નીને થતાં તેઓ ઘેર આવી ગયા હતાં. દરમિયાન ઘરમાં તપાસ કરતાં બેડરૃમમાં મૂકેલી તિજોરીઓમાંથી સોના-ચાંદીના દાગીના તેમજ રૃા.૨ લાખ રોકડ મળી કુલ રૃા.૩.૨૦ લાખની ચોરી થઇ હોવાની જાણ થઇ હતી. આ અંગે અંકિતભાઇએ ડભોઇ પોલીસ સ્ટેશનમાં ચોરીની ફરિયાદ નોંધાવતા પોલીસ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી હતી.
પોલીસે સોસાયટીમાં મૂકેલા સીસીટીવી ચેક કરતાં અંકિતભાઇના માતાએ કરેલા વર્ણનવાળો શખ્સ બહાર જતો જણાયો હતો. દરમિયાન તપાસ હાથ ધરતાં અજાણ્યો શખ્સ અમર અશોક દેવીપુજક (રહે.ગોપાલનગર ઝુપડપટ્ટી, રેલવે સ્ટેશન પાસે) જણાયો હતો. તે અગાઉ પણ ચોરીમાં પકડાયો હતો જેથી પોલીસે તેના ઘેર જઇને તપાસ કરતાં ચોર મળી આવ્યો હતો. તેની પૂછપરછમાં ચોરીની કબૂલાત કરી હતી અને ઘરમાંથી ચોરીનો કેટલોક મુદ્દામાલ પણ મળતાં પોલીસે કબજે કર્યો હતો.