કેન સફારી ગોલ્ફ કોર્સ લિવિંગના બંગલામાં કિશોરીએ કોણ છે? બૂમ મારતા ચડ્ડી બનિયાન ટોળકી ફરાર
અડધો ડઝન બંગલાના તાળા તૂટયા ઃ ચાર ચડ્ડી બનિયાનધારી ચોરો સીસીટીવી કેમેરામાં કેદ થયા
વડોદરા, તા.16 વડોદરા-વાઘોડિયારોડ પર પીપળીયા ગામ નજીક કેનસફારી ગોલ્ફ કોર્સ લિવિંગ નામની સાઇટના બંગલાઓમાં મોડીરાત્રે ચડ્ડી બનિયાનધારી ટોળકી ત્રાટકી હતી. આ સ્થળે ટોળકીએ એક ફેક્ટરીના માલિકના બંગલા સહિત અડધો ડઝન બંગલાને નિશાન બનાવ્યા હતાં.
આ અંગેની વિગત એવી છે કે કેનસફારી ગોલ્ફ કોર્સ લિવિંગ ખાતે રહેતાં અજય અમરનાથ સિન્હા મકરપુરા ખાતે ફેક્ટરી ધરાવે છે. ગઇરાત્રે તેઓ તેમની રૃમમાં ઊંઘતા હતા જ્યારે નાની પુત્રી તેની રૃમમાં હતી. દરમિયાન મોડીરાત્રે બે વાગ્યાની આસપાસ અવાજ આવતા અજયભાઇની પુત્રી અચાનક જાગી ગઇ હતી અને તેને રૃમનો દરવાજો ખોલીને જોતા સામેની રૃમમાં મોટી બહેનની રૃમનો દરવાજો ખુલ્લો અને સામાન વેરવિખેર જણાયો હતો. આ સાથે જ તેણે મોટેથી બૂમ મારી કોણ છે તેમ કહી પિતાને પણ બોલાવ્યા હતાં.
પુત્રીનો અવાજ સાંભળી અજયભાઇ તેમજ તેમની પત્ની પોતાની રૃમમાંથી બહાર દોડી આવ્યા હતાં અને તપાસ કરતાં ઘરનો સામાન વેરવિખેર જણાયો હતો જ્યારે રસોડાનો દરવાજો ખુલ્લો હતો. કોઇ ચોર અંદર આવ્યા હશે અને ચોરી કરી તેઓ ફરાર થઇ ગયા હતાં તેમ લાગ્યું હતું. બાદમાં તેમણે સોસાયટીના સીસીટીવી કેમેરા ચેક કરતાં ચાર ચડ્ડી બનિયાનધારી ચોરો સોસાયટીમાં પ્રવેશતા જણાયા હતાં. મોઢા પર માસ્ક તેમજ પોતાની ઓળખ ના થાય તેવી રીતે આવેલા ચોરોએ અન્ય પાંચ ઘરોના પણ તાળા તોડયા હોવાનું જાણવા મળ્યું હતું.
ઉલ્લેખનીય છે કે થોડા સમય પહેલાં વડોદરા નજીક ભાયલીમાં આવેલી એક સોસાયટીમાં પણ ચડ્ડી બનિયાનધારી ટોળકીએ આંતક મચાવ્યો હતો. સિક્યુરિટી જવાનો પર પથ્થરમારો કરી તિજોરીનું મોટું લોકર ઉઠાવી ગયા હતાં.