Get The App

બે ઘરના સભ્યો ચારધામ યાત્રાએ ગયા અને ચડ્ડી બનિયન ટોળકી ત્રાટકી

લોખંડનું આખું લોકર માથા પર ઉંચકીને લઇ ગયા ઃ ટોળકીએ સિક્યુરિટી ગાર્ડ પર પથ્થરમારો કર્યો

Updated: May 26th, 2024


Google NewsGoogle News
બે ઘરના સભ્યો ચારધામ યાત્રાએ ગયા અને ચડ્ડી બનિયન ટોળકી ત્રાટકી 1 - image

વડોદરા, તા.26 શહેર નજીક આવેલ ભાયલી પાસેની એક સોસાયટીમાં રાત્રે ત્રાટકેલી ચડ્ડી બનિયન ટોળકીએ હાહાકાર મચાવ્યો હતો. ચારધામ યાત્રાએ ગયેલા બે પરિવારના ઘરને નિશાન બનાવી ટોળકી ઘરમાંથી આખું લોકર સહિતનો સામાન ઉઠાવી ગઇ હતી. ટોળકીએ સોસાયટીના સિક્યુરિટી ગાર્ડ પર પથ્થરમારો પણ કર્યો હતો.

આ અંગેની વિગત એવી છે કે ભાયલી પાસે આવેલી મોનાલીસા લેકવુડ સોસાયટીમાં ત્રાટકેલી ચડ્ડી બનિયનધારી ચોર ટોળકીએ મચાવેલ ઉત્પાતના સીસીટીવી કેમેરાના વીડિયો હાલ વાયરલ થયા છે. આ સોસાયટીમાં મોડી રાત્રે ત્રણ  વાગ્યાની આસપાસ ચાર જેટલા ચોરો શાંતિથી એક ઘરમાં પ્રવેશે છે અને ઘરમાંથી લોખંડનું એક લોકર ચોરી કરીને ભાગતા જણાય છે. આ લોકર એટલું ભારે છે કે એક ચોર તેને માથામાં મૂકીને જતો દેખાય છે તેમજ અન્ય ચોરો તેનું રક્ષણ કરી રહ્યા છે.

આ વખતે સોસાયટીના સિક્યુરિટીની નજર પડતાં ચોરોને તે પડકારતા ચોરોએ પથ્થરમારો કર્યો હતો. સોસાયટીમાં સીસીટીવી કેમેરાની જાણ હોવાથી ચોરોએ મોઢા પર બુકાની પણ બાંધેલી છે જેથી તેમની ઓળખ ના થઇ શકે. સોસાયટીના મુખ્ય માર્ગ પરથી બિન્ધાસ્ત ચોરી કરીને આ ચોરો ભાગતા પણ ફૂટેજમાં જણાય છે. સોસાયટીના બે ઘરમાં ચોરોએ હાથફેરો કર્યો છે પરંતુ બંને ઘરમાં કેટલી ચોરી થઇ છે તે જાણી શકાયું નથી. બંને ઘરના સભ્યો ચારધામ યાત્રા પર ગયા હોવાનું પ્રાથમિક રીતે જાણવા મળ્યું છે.




Google NewsGoogle News