ટ્રેનના એસી કોચમાં મહિલાના ૩.૨૫ લાખના દાગીનાના બોક્સની ચોરી
પર્સમાં મૂકેલ રોકડ રકમ ચોરાતી બચી ગઇ ઃ કોચ એટેન્ડન્ટ પર શંકા વ્યક્ત કરાઇ
વડોદરા, તા.25 જયપુરથી સુરતમાં સામાજિક પ્રસંગમાં જતી બે સગી બહેનો ટ્રેનમાં રાત્રે ઊંઘી ગઇ ત્યારે પર્સમાં મૂકેલ રૃા.૩.૨૫ લાખ કિંમતના સોનાના દાગીના રાખેલ પર્સની ચોરી થઇ હતી.
આ અંગેની વિગત એવી છે કે જયપુરમાં હરીમાર્ગ ખાતે માલવીયનગરમાં રહેતી મહિમા ચિરાગ જૈન અને તેની મોટી બહેન જ્યોતી અભિષેક જૈન બંને સુરતમાં મોટા બાપુજીના ઘેર સામાજિક પ્રસંગ હોવાથી ત્યાં હાજરી આપવા માટે દુર્ગાપુર (જયપુર) રેલવે સ્ટેશનથી જયપુર બાન્દ્રા એક્સપ્રેસ ટ્રેનના એસી કોચમાં બેસી સુરત જવા માટે નીકળ્યા હતાં. રાત્રિ મુસાફરી હોવાથી બંને બહેનો ટ્રેનમાં ઊંઘી ગઇ હતી.
આ વખતે બ્લ્યૂ કલરનું પર્સ મોટી બહેનની સીટ પર હતું તેમજ નજીકમાં નાના છોકરાની બેગ હતી. સવારે સાત વાગે વડોદરા રેલવે સ્ટેશન પર ટ્રેન આવતા મહિમા ઊંઘમાંથી જાગી ગઇ હતી અને પર્સ ખોલીને જોયું તો અંદર મૂકેલ સોનાના દાગીના રાખેલ નાનું બોક્સ મળ્યું ન હતું. પર્સમાં પૈસા બરાબર હતાં. આ અંગે મહિમાએ વડોદરા રેલવે પોલીસમાં નોંધાવેલી ફરિયાદમાં કોચ એટેન્ડન્ટ પર શંકા વ્યક્ત કરી હતી અને જણાવ્યું હતું કે કોચ એટેન્ડન્ટ વારંવાર આવતો જતો હતો. રાત્રે અઢી વાગે કોચમાંથી નીકળતી વખતે અમારા કમ્પાર્ટમેન્ટનો પડદો બરાબર કરવા કહ્યા બાદ તે જતો રહ્યો હતો.
ચોરીના અન્ય બનાવમાં અમદાવાદના મકરબા વિસ્તારમાં અતુલ્યમ એપાર્ટમેન્ટમાં રહેતા વિનાયક ચન્દ્રકાંત ગાંધી બાન્દ્રા-ભૂજ એક્સપ્રેસ ટ્રેનના એસી કોચમાં ઊંઘી ગયા હતા ત્યારે સુરત અને વડોદરા રેલવે સ્ટેશન વચ્ચે કોઇ ગઠિયો લેપટોપ અને મોબાઇલ સહિત કુલ રૃા.૬૪૯૯૦ની મત્તા મૂકેલ કાળા રંગની બેગ ઉઠાવી ગયો હતો.