ન્યૂ વી.આઇ.પી.રોડ પર રહેતા એરફોર્સ કર્મચારીના મકાનમાંથી ૩.૯૬ લાખની ચોરી
મોટા પુત્રના પગના ઘુંટણનું ઓપરેશન કરાવવા માટે મુંબઇ ગયા હતા
વડોદરાપુત્રના પગના ઘુંટણનું ઓપરેશન કરાવવા માટે મુંબઇ ગયેલા એરફોર્સ કર્મચારીના બંધ મકાનમાંથી ચોર ટોળકી સોનાના દાગીના અને રોકડા મળી કુલ ૩.૯૬ લાખની મતા ચોરી ગઇ હતી.
ન્યૂ વી.આઇ.પી.રોડ શિવ બંગ્લોઝમાં રહેતા અજીતકુમાર ભોલેપ્રસાદ સીંઘ હરણી એરફોર્સમાં એન.સી.ઇ. ઇન બ્રેકેટ હવાલદાર તરીકે નોકરી કરે છે. તેમનો મોટો દીકરો અંશુલ અમદાવાદ જી.ટી.યુ.ખાતે અભ્યાસ પૂરો કરીને હાલમાં તેઓની સાથે વડોદરા રહે છે. જ્યારે નાનો દીકરો આયુષ્યમાનકુમાર એમ.એસ.યુનિવર્સિટીમાં એલ.એલ.બી.ના ત્રીજા વર્ષમાં અભ્યાસ કરે છે. તેમના દીકરા આયુષ્યમાનના જમણા પગના ઘુંટણનું ઓપરેશન કરાવવાનું હોવાથી તેઓ પરિવાર સાથે ગત તા.૧૫મી એ મુંબઇ ગયા હતા. તે દરમિયાન મકાન માલિક જીતેન્દ્રભાઇ વાકાણીએ ફોન કરીને ચોરીની જાણ કરી હતી. જેથી, તેમણે સહ કર્મચારીને તપાસ કરવા માટે મોકલ્યા હતા. ત્યારબાદ ગઇકાલે તેઓ દીકરાનું ઓપરેશન કરાવી પરત વડોદરા આવ્યા હતા. મકાનમાં તપાસ કરી તો ચોર ટોળકી સોનાના દાગીના અને રોકડા ૪૦ હજાર મળી કુલ રૃપિયા ૩.૯૬ લાખની મતા ચોરી ગઇ હતી. જે અંગે વારસિયા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.