વાઘોડિયા રોડ વુડાના મકાનની બારીના સળિયા કાપીને ચોરી
સોનાના ૯ તોલા ઉપરાંતના વજનના દાગીના મળી ૧.૩૭ લાખની ચોરી
વડોદરા,વાઘોડિયા રોડ બ્રિજ નજીક વુડાના મકાનમાં રહેતા મહિલાના બંધ મકાનની બારીના સળિયા કાપીને ચોર ૧.૩૭ લાખની મતા ચોરી ગયા હતા. જે અંગે કપુરાઇ પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.
વાઘોડિયા રોડ વૈકુંઠ સોસાયટીની પાછળ અર્બન રેસિડેન્સીમાં રહેતા રીટાબેન વિજયભાઇ બારિયા કારેલીબાગ એલ એન્ડ ટી સર્કલ પાસે આંગણવાડીમાં નોકરી કરે છે. તેમના પતિનુું અવસાન થયું છે. જ્યારે પુત્ર લંડનમાં રહે છે. ગત ૩ જી તારીખે તેઓ નોકરી ગયા હતા. અને બપોરે નોકરી પૂરી કરીને કારેલીબાગમાં રહેતા મોટા બહેનના ઘરે ગયા હતા અને ત્યાં જ રોકાઇ ગયા હતા. તેમના પાડોશીએ ફોન કરીને ચોરી થયાની જાણ કરતા તેઓ ઘરે દોડી ગયા હતા. ઘરે જઇને તપાસ કરતા જાણવા મળ્યું કે, ચોર બારીના લોખંડના સળિયા કાપીને સોનાના ૯ તોલા વજન ઉપરાંતના દાગીના તથા ચાંદીના દાગીના મળીને કુલ રૃપિયા૧.૩૭ લાખની મતા લઇ ગયા હતા.