અકોટાની ઉર્મિ સોસાયટીના એન.આર.આઇ.ના બંધ મકાનના તાળા તોડીને ચોરી
માંજલપુરના મંદિર, મકરપુરાના મકાન અને ડભોઇ રોડની દુકાનમાં ચોરી
વડોદરા,અકોટામાં એન.આર.આઇ.ના બંધ મકાનના તાળા તોડીને ચોરી કરનાર બે આરોપીઓને તથા માંજલપુરના મંદિરમાંથી ચોરી કરનાર આરોપીને પોલીસે ઝડપી પાડયા છે. જ્યારે શહેરમાં ચાર સ્થળે ચોરીના બનાવ નોંધાયા છે.
મૂળ રાજસ્થાન અને હાલમાં ડભોઇ રોડ સોમા તળાવ વિસ્ટેરિયા હાઇટ્સમાં રહેતો પ્રકાશ મથુરાલાલ કુમાવત ડભોઇ રોડ નરસિંહ એસ્ટેટની પાછળ માણેક સ્ટેટ - ૨ માં સાંવરિયા મેટલ નામથી સ્ક્રેપનો ધંધો કરે છે. ગત તા. ૧૬ મી એ રાતે દુકાનમાંથી તાંબા, પિત્તળનો ભંગાર, ગ્રાઇન્ડર મશીન તથા હેન્ડ કટર મલી કુલ રૃપિયા ૧.૪૭ લાખની મતા ચોર લઇ ગયા હતા.
માંજલપુર દરબાર ચોકડી પાસે ગજાનંદ હાઇટ્સ પાસે મધુરમ ટેનામેન્ટ નજીક નક્ષત્ર ડૂપ્લેક્સની સામે આવેલા જીવેશ્વર મહાદેવ મંદિરમાંથી તાંબાના છ લોટા, એક ઘંટ, તાંબાના નાગ દેવતા તથા ડ્રમ સેટના બે નાના ઘંટ મળી કુલ ૬,૬૦૦ રૃપિયાની ચોરી કરનાર રવિ ઉર્ફે લલ્લુ ગોપાલભાઇ પરમાર ( રહે. યમુના કુંજ સોસાયટી, દરબાર ચોકડી પાસે, માંજલપુર)ને પોલીસે ઝડપી લીધો હતો.
જ્યારે અન્ય એક બનાવમાં મકરપુરા એરફોર્સની પાછળ સાંઇ દર્શન સોસાયટીમાં રહેતા કાશીનાથ દામોદરભાઇ ઠાકરે ગત ૧ લી તારીખે પરિવાર સાથે મકાનને લોક મારીને દર્શન કરવા માટે ગયા હતા.તે દરમિયાન તેમના ઘરમાંથી ચોર ટોળકી સોના - ચાંદીના દાગીના તેમજ રોકડા ૧૫ હજાર મળી કુલ રૃપિયા ૧.૦૬ લાખની મતા લઇ ગઇ હતી. જે અંગે મકરપુરા પોલીસે ગુનો દાખલ કરી તપાસ હાથ ધરી છે.
અકોટા ની ઊમ સોસાયટીમાં રહેતા લીલાબેન પંચોલી તથા તેમના બહેન મીનાબેન હાલ યુકે રહે છે. લીલાબેનના આ મકાનમાં બંને બહેનો રહેતા હતા. પરંતુ, તેઓ યુકે સિટિઝન થઈ ગયા હોય આવતા જતા રહે છે. ગત ૨૧મી તારીખ થી ૨૨ મી તારીખ દરમિયાન મકાનના તાળા તોડી ચોર એસી તથા રસોઈનો ઘરવખરી સામાન અને રોકડા ૪૦૦૦ મળી કુલ ૧૪ હજારની ચોરી ગયા હતા. જે ગુનામાં પોલીસે કોહીનૂર મહેશભાઇ દેવીપુજક ( રહે. બાપોદ) તથા કિશન ચંદુભાઇ દેવીપુજક (રહે. સવાદ ક્વાટર્સ, વારસિયા રીંગ રોડ) ને ઝડપી પાડયા છે.