નવાપુરા મુસ્લિમ મહોલ્લાના બંધ મકાનના તાળા તોડીને ચોરી
૪૮ હજારની ચોરી અંગે દોઢ મહિના પછી પોલીસે ગુનો દાખલ કર્યો
વડોદરા,નવાપુરા મુસ્લિમ મહોલ્લાના બંધ મકાનના તાળા તોડીને ચોર ટોળકી સોનાના દાગીના અને રોકડા મળી ૪૮ હજાર ઉપરાંતની મતા ચોરી ગઇ હતી. જે અંગે દોઢ મહિના પછી પોલીસે ગુનો દાખલ કર્યો છે.
નવાપુરા મુસ્લિમ મહોલ્લામાં રહેતા ૭૧ વર્ષના અબ્દુલમનાન અબ્દુલખાન પઠાણ નિવૃત્ત જીવન ગુજારે છે. તેઓ પત્ની સાથે એકલા જ રહે છે. મહોલ્લામાં તેઓના બે મકાનો છે. જૂના મકાનમાં તેઓ દિવસ દરમિયાન રહે છે. રાતે તાળું મારીને તેઓ નવા મકાનમાં ઊંધવા માટે જાય છે. ગત તા. ૧૧ મી જુલાઇએ તેઓ જૂના મકાનને તાળું મારીને નવા મકાનમાં ઊંઘવા માટે ગયા હતા. બીજે દિવસે સવારે પોણા પાંચ વાગ્યે તેઓ જૂના મકાને આવ્યા ત્યારે દરવાજાનો નકુચો તૂટેલો હતો. તેમણે પુત્ર અને પત્નીને જાણ કરતા તેઓ પણ આવી ગયા હતા. ઘરમાં જઇને તપાસ કરી તો તિજોરી ખુલ્લી હતી. તેમજ અંદર મૂકેલો સામાન વેરવિખેર હતો. ચોર ટોળકી ઘરમાંથી સોનાના દાગીના તેમજ રોકડા પાંચ હજાર મળી કુલ ૪૮,૫૦૦ રૃપિયાની મતા ચોરી ગઇ હતી.