વારસિયા રીંગરોડ પર બંધ મકાનના તાળા તોડીને ચોરી
ચોર ટોળકી ૭૭ હજારના સોના ચાંદીના લઇ ગઇ
વડોદરા,વારસિયા રીંગ રોડની સત્તર તાલુકા સોસાયટીના બંધ મકાનના તાળાં તોડીને ચોર ટોળકી સોના ચાંદીના દાગીના લઇ ગઇ હતી.
વારસિયા રીંગ રોડ પર સત્તર તાલુકા સોસાયટીમાં રહેતા ગૌરાંગભાઇ નિરંજનભાઇ દવે માણેજા ખાતે આવેલી એ.બી.બી. કંપનીમાં ડેટા સેન્ટરમાં નોકરી કરે છે. ગત તા. ૩ જી એ તેઓ મકાનને તાળું મારીને પરિવાર સાથે તેમના સાઢુભાઇ મયૂર મહેન્દ્રભાઇ પંડયાના સામાજીક પ્રસંગે આણંદ જિલ્લાના સોજીત્રા તાલુકાના પીપળાવ ગામે ગયા હતા. પ મી તારીખે સવારે સાડા છ વાગ્યે તેમના મકાનની સામે આશીર્વાદ પાર્ક સોસાયટીમાં રહેતા અશ્વિનભાઇ શાહે ફોન કરીને જાણ કરી હતી કે, તમારા મકાનના ગેટનો દરવાજો ખુલ્લો છે. તેમજ મકાનના મુખ્ય દરવાજાની લોખંડની જાળીને મારેલું તાળું તૂટેલું છે. જેથી, તેઓ પીપળાવ ગામેથી પરત વડોદરા આવ્યા હતા. તેમણે મકાનમાં જઇને જોયું તો ચોર ટોળકી સોનાની લગડી, વીંટી, બુટ્ટી, લકી તેમજ ચાંદીના દાગીના મળી કુલ રૃપિયા ૭૭ હજારની મતા ચોરી ગઇ હતી. જે અંગે વારસિયા પોલીસે ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે.