પાવાગઢ ડુંગર પર કાલિકામાતા મંદિરમાં મોડીરાત્રે ચોરીનો પ્રયાસ
ડુંગરની ખીણની પાઇપો પરથી એક વ્યક્તિ ઉપર આવતો હોવાનું જણાયું ઃ પોલીસ દ્વારા હાથ ધરાયેલી તપાસ
હાલોલ તા.૨૮ પંચમહાલ જિલ્લામાં ૫૧, શક્તિપીઠ પૈકી યાત્રાધામ પાવાગઢ ડુંગર પર બિરાજમાન માં કાલિકા મંદિરમાં ચોરી થઇ હોવાની વ્યાપક ચર્ચા વચ્ચે પોલીસે મંદિરમાં ચોરીનો પ્રયાસ થયો હોવાની ફરિયાદ નોંધી તપાસ હાથ ધરી છે.
સુપ્રસિધ્ધ યાત્રાધામ તેમજ શક્તિપીઠ પાવાગઢ મંદિર ખાતે આજે વહેલી સવારે માતાજીના નિજ મંદિરમાં ચોરી થઇ હોવાની વાત વાયુ વેગે ફેલાઇ ગઇ હતી. મંદિરની અભેદ સુરક્ષા વચ્ચે માતાજીના નિજ મંદિરમાં ચોરીની ચર્ચાએ જોર પકડયું હતું. જેને પગલે મંદિર ખાતે મંદિર ટ્રસ્ટના કેટલાક ટ્રસ્ટીઓ, જિલ્લા પોલીસ વડા સહિત ઉંચ્ચ પોલીસ અધિકારીઓ પોલીસ કર્મીઓ પણ પાવાગઢ મંદિર ખાતે દોડી આવ્યા હતાં. મંદિરમાં કઇ વસ્તુની ચોરી થઇ છે તેની તપાસ હાલ ચાલી રહી હોવાનું જાણવા મળ્યું છે.
જિલ્લા પોલીસ વડાએ જણાવ્યું હતું કે મંદિરમાં સીડીઓ પરથી જવાનો રસ્તો છે, તેની બાજુમાં પાઇપો ખીણની નીચે તરફ જાય છે. રાત્રે દોઢ વાગે ત્યાંથી એક વ્યક્તિએ ઉપર ચઢવાનો પ્રયત્ન કર્યો હોય તેવું ધ્યાને આવ્યું છે. ચોરી માટે આ પ્રયત્ન કરવામાં આવ્યો હોય તેમ હાલ જણાય છે. ટ્રસ્ટીઓએ જણાવ્યું હતું કે હાલ કોઈ વસ્તુ ચોરી થઇ હોય તેવું નથી છતાં પણ ચોરીનો પ્રયાસ હોવાથી ગુનો દાખલ કરવા માટે પોલીસને ફરિયાદ આપી છે. મંદિરના ગર્ભગૃહ કે કોઈ અન્ય દરવાજા તુટયા હોય તેવું જણાતુંં નથી. આ ઘટના બાદ પોલીસ દ્વવારા પેટ્રોલિંગ વધારી દેવામાં આવ્યું છે. આ અંગે પ્રાથમિક તબક્કે મંદિરના મેનેજર વિક્રમ પરમારે ચોરીના પ્રયાસ અંગેની ફરિયાદ પાવાગઢ પોલીસ સ્ટેશનમાં નોંધાવી હતી. સીસીટીવીમાં તે વ્યક્તિ દેખાય છે પરંતુ ઓળખી શકાય તેમ નથી.