કારેલીબાગ અને ગોરવામાં ચોરોનો તરખાટ,ચાર સ્થળે ત્રાટક્યા
વડોદરાઃ કારેલીબાગ અને ગોરવા વિસ્તારમાં ચાર સ્થળોએ ત્રાટકેલા ચોરોએ તરખાટ મચાવ્યો હતો.કારેલીબાગમાં તો સવારે માત્ર ૪૦ મિનિટના ગાળામાં જ ચોરો કામ પતાવી ગયા હતા.
કારેલીબાગ આર્યકન્યા પાછળ શાસ્ત્રીપાર્કમાં રહેતા ૭૯ વર્ષીય લીલાબેન શાહે પોલીસને કહ્યું છે કે,તા.૨જીએ સવારે ૫.૪૦ વાગે નિત્યક્રમ મુજબ બંધાવેલી રિક્ષામાં મંદિરે દર્શન કરવા ગઇ ત્યારે ૬.૨૦ કલાકે ઉપરના માળે સૂઇ રહેલા મારા પુત્ર પર તેના ડ્રાઇવરનો ફોન આવતાં તે નીચે ઉતર્યો હતો અને ચેક કરતાં સામાન વેરવિખેર હતો.અમે તપાસ કરી તો ચોરો નકૂચો તોડી તમામ સામાન ફેંદી કાઢ્યો હતો અને કેનેડા ગયેલી મારી પુત્રીના સાચવવા માટે આપેલા અંદાજે રૃ.૩ લાખની કિંમતના ૧૦ તોલા જેટલા દાગીના ચોરી ગયા હતા.
ચોરોએ ઇલોરાપાર્ક ખાતે ચંદ્રમણી સોસાયટીમાં રહેતા રોહત રામેશ્વર પ્રસાદના મકાનમાં પણ ચોરી કરી હતી.ચોરો તિજોરીમાંથી રોકડા રૃ.૪૦ હજાર અને સોના ચાંદીના દાગીના મળી રૃ.૨લાખ ની મત્તા ચોરી ગયા હતા.ચોરોએ ગોરવા આઇટીઆઇ સામે એપેક્ષ ટ્રેડ સેન્ટરમાં અતુલ પટેલની ઓફિસમાંથી એસી અને લેપટોપની ચોરી કરી હતી.જ્યારે,ઉપર ટેરેસ પર ઇન્ટરનેટ ડિવાઇઝની બેટરી પણ ચોરી ગયા હતા.