વડોદરામાં ખંડેરાવ માર્કેટ પાસે આવેલા નિલેશ એપાર્ટમેન્ટમાં ભાજપના કાર્યકર્તાના ઘરે ચોરી
Theft Case at Vadodara : વડોદરા શહેરના ખંડેરાવ માર્કેટ પાસે આવેલા નિલેશ એપાર્ટમેન્ટમાં રહેતા ભાજપના કાર્યકર્તા જય કિશનભાઇના ઘરે ચોરી થતા ભાજપના મહિલા કોર્પોરેટર જાગૃતિબેન કાકા તથા અન્ય કાર્યકર્તાઓ તેમના ઘરે પહોંચી ગયા હતા અને રાવપુરા પોલીસમાં ફરિયાદ નોંધાવવાની તજવીજ હાથ ધરી હતી.
ખંડેરાવ માર્કેટ પાસે આવેલા નિલેશ એપાર્ટમેન્ટમાં રહેતા જય કિશનભાઇની માતા બહારગામ ગયા હોવાથી ઘર બંધ હતું તે દરમિયાન આજે વહેલી સવારે 5:00 વાગે કારમાં આવેલા કેટલાક વ્યક્તિઓએ ઘરનું તાળું તોડી સોના ચાંદીના દાગીના તથા રોકડ રકમ મળી લાખો રૂપિયાની ચોરી કરી લઈ ગયા છે.
આ વિસ્તારમાં ગયા અઠવાડિયે પણ બે થી ત્રણ ચોરીના બનાવ નોંધાયા છે. આજે સવારે ચોરી કરી કારમાં ભાગી જઈ રહેલા ચોરોને ત્યાંના સ્થાનિક વ્યક્તિએ જોયા હતા પરંતુ તેઓની પાસે મારક હથિયારો હોવાથી તેઓ કશું જ કરી શક્યા નહીં. એક મકાનમાંથી ચોરી કર્યા બાદ ચોરો સામેના બીજા એપાર્ટમેન્ટમાં ગયા હતા પરંતુ દસ મિનિટ બાદ તેઓ તેમની લાલ કલરની કારમાં બેસીને ચાલ્યા ગયા હતા તેઓ ચાર વ્યક્તિ હોવાનું જણાઈ આવ્યું હતું.