નંદેસરી પોલીસે બેરહેમીથી માર મારતા યુવક સારવાર માટે સયાજી હોસ્પિટલમાં દાખલ

પોલીસ તપાસ કરવા માટે સયાજી હોસ્પિટલ પહોંચે તે પહેલા જ ઇજાગ્રસ્ત જતો રહેતા પોલીસે શોધખોળ હાથ ધરી

Updated: May 5th, 2024


Google NewsGoogle News

 નંદેસરી પોલીસે બેરહેમીથી માર મારતા યુવક સારવાર માટે સયાજી  હોસ્પિટલમાં દાખલ 1 - imageવડોદરા,અટકાયતી પગલા માટે નંદેસરી પોલીસ સ્ટેશનને લાવવામાં આવેલા યુવાનને પોલીસે બેરહેમીથી માર માર્યો હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો હતો. પરંતુ, નંદેસરી પોલીસ પહોંચે તે પહેલા જ ઇજાગ્રસ્ત રવાના થઇ જતા પોલીસે તેની શોધખોળ  હાથ ધરી છે.

નંદેસરી રૃપાપુરા ગામમાં રહેતો ૩૧ વર્ષનો રાજેન્દ્રસિંહ દિપકસિંહ ગોહિલ ડ્રાઇવિંગ કરે છે. ગઇકાલે સાંજે છ વાગ્યે નંદેસરી પોલીસ સ્ટેશનના ગજેન્દ્રસિંહ આનંદસિંહ ગોહિલ તથા અન્ય બે જવાનોેએ તેને પાઇપ વડે માર માર્યો હતો. દર્દીને બંને પગની જાંઘ તથા કમરની પાછળના ભાગે ચકામા  પડી ગયા હતા. તેમજ હાથ  પર પણ ઇજા થઇ હતી. ગઇકાલે સાંજના બનાવ પછી આજે બપોરે પોણા ત્રણ વાગ્યે ઇજાગ્રસ્ત રાજેન્દ્રસિંહ સયાજી હોસ્પિટલમાં સારવાર માટે આવ્યો હતો. સયાજી  હોસ્પિટલના ડોક્ટર દ્વારા તેની પાસેથી હકીકત જાણી નંદેસરી  પોલીસને જાણ કરવામાં આવી હતી. નંદેસરી પોલીસ સયાજી હોસ્પિટલમાં  પહોંચી તે પહેલા જ રાજેન્દ્રસિંહ ત્યાંથી રવાના થઇ ગયો હતો. જેથી, પોલીસે તેની શોધખોળ હાથ ધરી છે.

નંદેસરી પોલીસ સ્ટેશનના  પી.આઇ. સ્વપ્નીલ પંડયાએ જણાવ્યું હતું કે, રાજેન્દ્રસિંહ સામે અગાઉ મારામારીના કેસ થયા હતા. જેથી, ચૂંટણી સંદર્ભે અટકાયતી પગલા લેવા માટે તેને લાવવામાં આવ્યો હતો.  ગઇકાલે રાતે તેને પોલીસ સ્ટેશન લાવ્યા પછી આજે સવારે મેજીસ્ટ્રેટ સમક્ષ રજૂ કરી જામીન લેવડાવવામાં આવ્યા હતા. ત્યારે પણ તેને પોલીસે માર માર્યાની કોઇ રજૂઆત કરી નહતી. ત્યારબાદ કોના કહેવાથી તેણે આવા આક્ષેપ કર્યા છે ? તે અંગે તે મળી આવ્યા પછી તેની પૂછપરછ કરવાથી જ માહિતી મળશે.  હાલમાં તો અમે તેને શોધી રહ્યા છે. તેણે પોલીસ સામે કરેલા આક્ષેપો ખોટા છે. 


Google NewsGoogle News