એસિડ પી લીધાનું નાટક કરી યુવક પોલીસ સ્ટેશનમાંથી રવાના
અગાઉ સાથે ભણતી યુવતીને મિત્રતાની ઓફર કરી હાથ પકડી લીધો હતો
વડોદરા,પોલીસ ફરિયાદના ડરથી એસિડ ગટગટાવી લીધાનું નાટક કરીને યુવક બાપોદ પોલીસ સ્ટેશનમાંથી રવાના થઇ ગયો હતો. જે અંગે બાપોદ પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.
ન્યૂ વી.આઇ.પી.રોડ રઘુકુળ સ્કૂલ પાસે રહેતી પરિણીતાને પતિ સાથે ખટરાગ થતા તે ઘરેથી નીકળી ગઇ હતી. તે વાતની જાણ પરિણીતાની સાથે ભણતા તેના મિત્રને થતા તે મદદના બહાને પરિણીતાની પાસે પહોંચી ગયો હતો. તેણે પરિણીતાને કહ્યું કે, તારે પતિ સાથે બનતું નથી તો હવે તું મારી સાથે મિત્રતા બાંધી દે. યુવકે પરિણીતાનો હાથ પકડી લીધો હતો. યુવકની આવી હરકતોથી હેબતાઇ ગયેલી પરિણીતાએ પતિ અને અન્ય સંબંધીઓને જાણ કરતા તેઓ દોડી આવ્યા હતા. પોલીસને જાણ કરવામાં આવતા પોલીસની ગાડી સ્થળ પર પહોંચી ગઇ હતી. પોલીસે તમામને પોલીસ સ્ટેશન લઇ આવી હતી. પરિણીતાએ ફરિયાદ લખાવવાની શરૃઆત કરતા યુવકે એસિડ પી લીધાનું નાટક શરૃ કર્યુ હતું. જેના પગલે બાપોદ પોલીસ સ્ટેશનમાં દોડધામ મચી ગઇ હતી. પોલીસને ચકમો આપીને યુવક ત્યાંથી ફરાર થઇ ગયો હતો. બીજી તરફ પોલીસે પરિણીતાની અરજીના આધારે વધુ કાર્યવાહી હાથ ધરી છે.