લાઇટ બિલના છૂટ્ટા પૈસા બાબતે તકરાર થતા યુવકે ઓફિસ માથે લીધી
મહિલા સ્ટાફને બીભત્સ ગાળો બોલી ઝપાઝપી કરનાર યુવક સામે ગુનો દાખલ
વડોદરા,ટાવર એમ.જી.વી.સી.એલ.ની કચેરીમાં લાઇટ બિલ ભરવા આવેલા યુવાન સાથે છૂટ્ટા પૈસા બાબતે બોલાચાલી થતા તેણે મહિલા સ્ટાફને બીભત્સ ગાળો બોલી ઝપાઝપી કરી હતી. ઓફિસ માથે લઇ ધમાલ મચાવતા યુવકની સામે રાવપુરા પોલીસે ગુનો દાખલ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
એમ.જી.વી.સી.એલ.માં નોકરી કરતી મહિલાએ રાવપુરા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી જણાવ્યું છે કે,આજે સવારે હું મારી નોકરી પર ગઇ હતી. બપોરે સવા એક વાગ્યે એક યુવાન લાઇટ બિલ ભરવા માટે આવ્યો હતો. તેણે મને લાઇટ બિલ ભરવા માટે પૈસા આપ્યા હતા. પરંતુ, મારી પાસે છૂટ્ટા પૈસા નહી હોવાથી મેં તેની પાસે છૂટ્ટા પૈસા માંગ્યા હતા. તમે છૂટ્ટા પૈસા કેમ રાખતા નથી ? તેવું કહીને તેણે મારી સાથે બોલાચાલી શરૃ કરી હતી. તેણે ઉશ્કેરાઇને મારા ટેબલ પર પડેલું મોનિટર જોરથી પછાડયું હતું. જેથી, હું કેબીનમાંથી બહાર આવીને તેને ઠપકો આપતી હતી. તે મને બીભત્સ ગાળો બોલવા લાગ્યો હતો. તે મારા પર હુમલો કરવા જતા સિક્યુરિટી જવાને દરમિયાનગીરી કરતા તેઓની સાથે પણ આરોપીએ ઝપાઝપી કરી હતી. તેણે મહિલા જુનિયર આસિસ્ટન્ટ સાથે પણ ઝપાઝપી કરી હતી. દરમિયાન ઓફિસનો સ્ટાફ ભેગો થઇ જતા આરોપીને પકડી લીધો હતો. પોલીસમાં કોલ કર્યો હોવાથી થોડા સમયમાં પોલીસની ગાડી આવી ગઇ હતી. આરોપીનું નામ મોહંમદ સલમાન મોહંમદ હનિફ કુરેશી ( રહે. આફરિયન ફ્લેટ, નવાબવાડા, મચ્છીપીઠ) હોવાનું જાણવા મળ્યું હતું.
એક ગ્રાહકનું લાઇટ બિલ પણ છીનવી લીધું
વડોદરા,મોહંમદ સલમાને ઓફિસમાં બૂમાબૂમ કરી જાળી બંધ કરી દીધી હતી. તેણે અન્ય એક ગ્રાહકનું લાઇટ બિલ પણ છીનવી લીધું હતું. આ અંગે વીડિયો ઉતારતી મહિલાને તે બીભત્સ ગાળો બોલ્યો હતો. તેને શાંત પાડવા માટે લોકોએ સમજાવવાનો પ્રયાસ કર્યો હતો. પરંતુ, તે કોઇની વાત માનવા તૈયાર જ નહતો.