નાના ચિલોડાથી યુવાનને રિક્ષામાં બેસાડી લીંબડીયા પાસે લૂંટી લેવાયો

Updated: Mar 10th, 2024


Google NewsGoogle News
નાના ચિલોડાથી યુવાનને રિક્ષામાં બેસાડી લીંબડીયા પાસે લૂંટી લેવાયો 1 - image


ગાંધીનગર નજીક નરોડા ચિલોડા હાઇવે ઉપર

રિક્ષામાં સવાર બે શખ્સોએ મોબાઇલ સહિતનો મુદ્દામાલ લૂંટી મારી નાખવાની ધમકી આપીને ફરાર થઈ ગયા

ગાંધીનગર :  ગાંધીનગર શહેર નજીક ચિલોડા નરોડા હાઇવે ઉપર ચોરી અને લૂંટની ઘટનાઓ વધી રહી છે ત્યારે બે દિવસ અગાઉ ચિલોડા પંથકના યુવાનને રિક્ષામાં બેસાડીને લીંબડીયા પાસે લૂંટી લેવાની ઘટના પ્રકાશમાં આવી છે. જોકે ગભરાઈ ગયેલા યુવાને હજી સુધી પોલીસ ફરિયાદ કરી નથી અને હવે નોકરી પર જતા પણ ડરી રહ્યો છે.

પાટનગર ગાંધીનગર શહેર તેમજ આસપાસના વિસ્તારમાં છેલ્લા ઘણા સમયથી ચોરી અને ચીલઝડપની ઘટનાઓ વધી રહી છે. એટલું જ નહીં અત્યાર સુધી અડાલજ પંથકની નર્મદા કેનાલ આસપાસ લૂંટની ઘટનાઓ વધી હતી પરંતુ હવે ચિલોડા નરોડા હાઇવે ઉપર આંતરે દિવસે મુસાફરોને લૂંટી લેવાના બનાવો પણ બની રહ્યા છે. રિક્ષામાં મુસાફરોને બેસાડીને વધી રહેલી આ ઘટના વચ્ચે ચિલોડા પંથકના ગામનો વધુ એક યુવાન લૂંટનો શિકાર બન્યો છે.

જે ઘટના અંગે મળતી વિગતો પ્રમાણે આ યુવાન નાના ચિલોડા ખાતે કારખાનામાં નોકરી કરે છે અને બે દિવસ અગાઉ રાત્રીના સમયે નાના ચિલોડા પાસે ઊભો હતો અને મોટા ચિલોડા તરફ જતી રીક્ષા તેની પાસે આવીને ઊભી હતી. જેમાં રિક્ષા ચાલકની સાથે અન્ય એક મુસાફર પણ હાજર હતો દરમિયાનમાં આ યુવાન રિક્ષામાં બેસી ગયો હતો અને રિક્ષા નર્મદા કેનાલ ક્રોસ કરીને લીંબડીયા પાસે પહોંચી તે દરમિયાન રોડ સાઈડમાં આ યુવાનને લઈ જઈ તેની પાસે રહેલો મોબાઇલ અને અન્ય ચીજ વસ્તુઓ આ શખ્સો દ્વારા લૂંટી લેવામાં આવ્યા હતા અને યુવાનને ધમકાવીને ત્યાંથી કાઢી મૂક્યો હતો અને જો કોઈને કહેશે તો જાનથી મારી નાખવાની ધમકી પણ આપી હતી. આ ઘટના બાદ હેબતાઈ ગયેલો યુવાન જેમ તેમ કરીને ઘરે પહોંચ્યો હતો અને હવે નોકરી ઉપર જતા પણ ડરી રહ્યો છે. આ પ્રકારની વધતી ઘટના અટકાવવા માટે આ વિસ્તારમાં પોલીસ દ્વારા યોગ્ય પેટ્રોલિંગ કરવાની જરૃરિયાત લાગી રહી છે.


Google NewsGoogle News