250 કરોડના મનીલોન્ડરિંગના કેસના નામે વડોદરાના યુવકને 34 કલાક ડિજિટલ એરેસ્ટ કરી 1.65 લાખ પડાવ્યા
વડોદરાઃ વડોદરામાં એક મહિલાને ડિજિટલ એરેસ્ટ કરી રૃ.એક લાખ પડાવી લેવાના કિસ્સા બાદ તરસાલી વિસ્તારના એક યુવકને ૩૪ કલાક સુધી એરેસ્ટ રાખી રૃ.૧.૬૫ લાખ પડાવી લીધા હોવાનો બનાવ બહાર આવ્યો છે.
તરસાલી વિસ્તારમાં રહેતા કેતન સાવંત નામના યુવકને ગઇ તા.૩જી નવેમ્બરે બપોરે ૧૨વાગ્યાના અરસામાં ફોન આવ્યો હતો.ફોન કરનારે બે કલાકમાં ફોન બંધ થઇ જશે તેમ કહ્યું હતું.કેતન નોકરીની શોધમાં હોવાથી ફોન બંધ થાય તે પાલવે તેમ નહતું.જેથી તે ટેન્શનમાં આવી ગયો હતો અને મારો વાંક શું છે..તેમ પૂછ્યું હતું.
ગઠિયાઓને જે જોઇતું હતું તે મળી ગયું હતું.તેમણે ફોન ચાલુ રાખવો હોય તો ૯ નંબર દબાવવા કહ્યું હતું.કેતને નંબર દબાવતાં જ બીજી વ્યક્તિને કોલ કનેક્ટ થયો હતો અને તેણે રૃ.૨૫૦ કરોડના મની લોન્ડરિંગના કેસમાં તમારું નામ છે,તમારા બીજા નંબર પરથી એસએમએસ થઇ રહ્યા છે તેવી ફરિયાદ મળી હોવાનું કહ્યું હતું.
કેતને તેનો બીજો કોઇ નંબર નથી તેમ કહેતાં સામે વાળી વ્યક્તિએ તમે મુંબઇની દુકાનમાંથી સિમકાર્ડ ખરીદ્યું હતું.નરેશ ગોયેલના બેન્ક ડોક્યુમેન્ટ અને તેની પાર્ટનરશિપમાં પણ તમારું નામ છે.તમે પણ એટલા જ ગુનેગાર બનો છો..તેમ કહ્યું હતું.જેથી કેતને મારા આધારકાર્ડનો મિસયુઝ થયો હશે તેમ કહ્યું હતું.
ઠગ દ્વારા તમે બેન્કમાં એકાઉન્ટ ખોલ્યું છે,તું અમને શીખવીશ નહિ,અમે અમારી રીતે કામ કરીશું...તેમ કહી ગુસ્સાથી વાત કરવામાં આવી હતી.તેણે વીડિયોકોલ કર્યો હતો અને ઇન્ચાર્જ સાથે વાત કરાવીશ તેમ કહી તા૪થી એ રાતે ૧૦ વાગ્યા સુધી સતત ડિજિટલ એરેસ્ટ રાખ્યો હતો.ઠગોએ કેતનને બેન્કમાં મોકલી પીપીએફ એકાઉન્ટમાંથી રૃ.૧.૬૫ લાખ ટ્રાન્સફર પણ કરાવી લીધા હતા.
કોઇને પણ જાણ કરશો તો જેલ જવાની તૈયારી રાખજો,પાણી પણ પીવા માટે રજા લેજો
ઠગ ટોળકીએ યુવકને કહ્યું હતું કે,તારાે કેમેરો ઓન રાખવો પડશે.કોઇને પણ કાંઇ પણ વાત કરવાની નથી.નહિંતર 3 વર્ષની જેલ અને 5 લાખની પેનલ્ટી થશે.પાણી પણ પીવા જવું હોય તો અમને પૂછવું પડશે અને જ્યાં જાય ત્યાં કેમેરો ઓન રાખવો પડશે.
ભૂલથી ફોન કટ થઇ જતાં યુવકે સામેથી ફોન કર્યો
યુવકના કહેવા પ્રમાણે એક સારા નાગરીક તરીકે કાયદાને માન આપવું જોઇએ.મને બે ઓપ્શન આપવામાં આવ્યા હતા.કાં તો પોલીસ એરેસ્ટ કરવા આવશે અથવા તો ડિજિટલ એરેસ્ટ રહેવું પડશે.તમને સુપ્રીમ કાર્ટના જજ સામે રજૂ કરવામાં આવશે અને તે વખતે તમારે સફેદ શર્ટ પહેરવો પડશે.આ દરમિયાન એકવાર યુવકથી ફોન કટ થઇ જતાં તેણે સામેથી ફોન જોઇન કર્યો હતો.