મકરપુરા એસ.ટી. ડેપો પાસેથી રૃપિયાની ઉઘરાણીમાં યુવાનનું કારમાં અપહરણ કરી ગોંધી રાખી માર માર્યો

યુવાનની ગર્લ ફ્રેન્ડે પોલીસને જાણ કરતા ગણતરીના કલાકોમાં પોલીસે અપહૃતને મુક્ત કરાવ્યો

Updated: Mar 15th, 2024


Google NewsGoogle News

 મકરપુરા એસ.ટી. ડેપો પાસેથી   રૃપિયાની ઉઘરાણીમાં યુવાનનું કારમાં અપહરણ કરી ગોંધી રાખી માર માર્યો 1 - imageવડોદરા. યુવાન પાસે રૃપિયાની ઉઘરાણી કરી તેને કારમાં ઉઠાવી જઇ ગોંધી રાખી જાનથી મારી નાંખવાની ધમકી આપી માર મારનાર આરોપીઓની ચુંગલમાંથી મકરપુરા પોલીસે તેને ગણતરીના કલાકોમાં હેમખેમ છોડાવી લીધો હતો. મકરપુરા પોલીસે ગુનો દાખલ કરી આરોપીઓની ધરપકડ કરી છે.

મકરપુરા બસ ડેપોની  પાછળ મૂળ  અમદાવાદનો ૨૩ વર્ષનો સ્મિત કમલેશભાઇ રાણા શ્રી રામ ચૂલા સેવ - ઉસળ નામે ધંધો કરે છે. મકરપુરા  પોલીસ સ્ટેશનમાં તેણે ફરિયાદ નોંધાવી જણાવ્યું છે કે, મકરપુરા વલ્લભ કોલોનીમાં રહેતા તારીફ તથા તેની પત્ની કરિશ્મા પાસે અવાર - નવાર હું મારા ધંધા માટે  પૈસા લેતો  હતો. તારીફની કાર મેં ભાડે લીધી હતી. તે  પેટે પૈસા ચૂકવી દેવા છતાંય તે મારી પાસે વધુ એક લાખની માંગણી કરી ધમકી આપતો હતો.ગત તા.૧૩ મી એ હું મારી દુકાને હતો. ત્યારે તારીફ તથા તેના બે ભાઇઓ પરવેશ અને આરીફ મારી દુકાને આવ્યા હતા. આરીફે મને ગાલ પર લાફો મારી કહ્યું હતું કે, તું  હજી અમારા બાકીના વ્યાજના રૃપિયા કેમ આપતો નથી ? તેણે મારી ફેંટ પકડીને કારમાં બેસાડી દીધો હતો. તેઓ મને મકરપુરા વલ્લભ કોલોનીમાં તેમના ઘરે લઇ ગયા હતા. જ્યાં કરિશ્મા તથા અન્ય પરિવારજનો હતા.  થોડીવાર પછી કરિશ્માનો ભાઇ સલમાન ઘાંચી આવ્યો હતો. સલમાને ડંડાથી, તારીફે રબરની પાઇપથી અને  કરિશ્માએ પટ્ટા વડે ખૂબ માર માર્યો હતો. કરિશ્માએ ધમકી આપતા કહ્યું હતું કે, તું મારા રૃપિયા મંગાવી લે. નહીંતર અમે બધા ભેગા થઇને તને મારી નાંખીશું.

ત્યારબાદ રાતે સાડા દશ વાગ્યે મનિષ દલવીનો મિત્ર વિરલ પરમાર ( રહે. દિવાળીપુરા) તથા મોહસિન ( રહે. સનફાર્મા રોડ) આવ્યા હતા. મનિષને પટ્ટા વડે મને માર  માર્યો હતો. ત્યારબાદ મને કારમાં બેસાડી તને  પોલીસ સ્ટેશન લઇ જઇએ છીએ તેવું કહીને મકરપુરા ડેપો પાસે મને લઇ આવ્યા હતા. ત્યારબાદ પરત ઘરે લઇ આવ્યા હતા. મેં મારી ગર્લ  ફ્રેન્ડને મેસેજ કરીને મને છોડાવવા કહ્યું હતું. ત્યારબાદ મને પોલીસ કંટ્રોલ રૃમમાંથી કોલ આવ્યો હતો અને પૂછ્યું હતું કે, તમે ક્યાં છો ? ફોન સ્પીકર મોડ પર હોવાથી આરોપીઓના કહેવાથી હું અમદાવાદ છું તેવું જણાવ્યું હતું. ૧૫ મિનિટ પછી પોલીસ ત્યાં આવી ગઇ હતી. મકરપુરા પોલીસે ગુનો દાખલ કરી આરોપીઓની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.


તારીફ પાસેથી ભાડે ફેરવવા લીધેલી કાર ગીરવે મૂકી દીધી

વડોદરા, તારીફના પત્ની કરિશ્માની માલિકીની કાર મેં ભાડે ફેરવવા લીધી હતી. ભાડા પેટે હું રોજના અઢી હજાર આપતો હતો. મારે ધંધા માટે રૃપિયાની જરૃર પડતા મનિષ સંજયભાઇ દળવી ( રહે. નિર્મલ કોમ્પલેક્સ, તરસાલી) ને વાત કરી હતી. મનિષના કહ્યા મુજબ, મેં ભાડે લીધેલી કાર મોહસિન, ઓવેશ તથા આરીફ ગરાસિયા મારફતે રિશિ  નામના વ્યક્તિને ૧.૪૦ લાખમાં આપી લખાણ કર્યુ હતું.



રૃપિયાની વસુલાત માટે યુવાનની માતાને બે દિવસ ગોંધી રાખી

તમારા દીકરાને કહો કે, ગાડી અને રૃપિયા આપી જાય પછી જ તમને છોડીશું

વડોદરા,યુવાને પોલીસને જણાવ્યું હતું કે,  મેં કાર ગીરવે મૂકી હોવાની જાણ  તારીફ અને કરિશ્માને થતા તેઓએ મારા પર સતત દબાણ કરી કાર પરત માંગી હતી. તેઓ મારા મમ્મીને તેમના ઘરે લઇ  ગયા હતા. ત્યાં બે દિવસ સુધી મારી મમ્મીને તેઓએ રાખી હતી. તેઓ મારી મમ્મીને કહેતા  હતા કે, તમારા દીકરાને કહો કે, ગાડી તથા રૃપિયા આપી દે તો જ તમને છોડીશું. મેં મારી ફ્રેન્ડ પાસેથી ૧.૪૦ લાખ લઇ કાર છોડાવી પરત આપી દીધી હતી. કાર પરત આપ્યા પછી પણ મેં તારીફને ૭૫  હજાર આપ્યા હતા. ત્યારબાદ તેઓએ મારી મમ્મીને છોડી  હતી. આ ઘટના પછી મેં મારી મમ્મીને અમદાવાદ મોકલી આપી હતી.


૩૦ હજારની સામે રોજના ૩૦૦ રૃપિયા ચૂકવતો હતો

વડોદરા,સાત મહિના  પહેલા હું મારા સંબંધી સાથે દ્વારકા ફરવા ગયો હતો. તે સમયે મારી કારને અકસ્માત થયો હતો. જેમાં મને ડાબા હાથે તથા માથાના ભાગે ઇજા થઇ હતી. મારી સારવારમાં ખૂબ ખર્ચ થવાથી બધા પૈસા વપરાઇ ગયા હતા. મારે રૃપિયાની જરૃર પડતા મારી બહેનની કાર મકરપુરાના તારીફ શેખને આપી હતી. તારીફ શેખની પત્ની કરિશ્માએ મને ધંધા માટે ૩૦ હજાર રૃપિયા આપ્યા હતા. જે પેટે રોજના ૫૦૦ રૃપિયા આપવાનું નક્કી થયું હતું. ત્યારબાદ મારો શેર ટ્રેડિંગનો ધંધો સારો ચાલવા લાગ્યો હતો. મારે જ્યારે રૃપિયાની જરૃર પડે ત્યારે તારિફ અને કરિશ્મા પાસેથી લેતો હતો. તેમજ વધારા સાથે તેઓને પરત કરતો હતો.


દંપતી સહિત છ આરોપીઓને પોલીસે ઝડપી પાડયા

વડોદરા,અપહરણના કેસમાં પોલીસે છ આરોપીઓને ઝડપી પાડયા છે. જે આ મુજબ છે. (૧) તારીફ તકદીરભાઇ શેખ (૨) આરીફ અલ્લાઉદ્દીન શેખ (૩) કરિશ્મા તારીફ શેખ (૪) પરવેઝ તકદીરભાઇ શેખ  ( ચારેય  રહે. વલ્લભ  કોલોની, મકરપુરા) (૫) મનિષ સંજયભાઇ દળવી ( રહે. કાન્હા નિર્મળ ડૂપ્લેક્સ,તરસાલી) તથા (૬) મોહસીન મહેબૂબ હુસેન બાગબાની ( રહે. અબુઆ એવન્યુ, સનફાર્મા રોડ).


Google NewsGoogle News