મરજીથી શરીર સંબંધો બાંધ્યા યુવતી પ્રેગ્નન્ટ થતા લગ્નની ના પાડનાર યુવાનની ધરપકડ
પાદરાના યુવાન, તેના બે મિત્રો અને માતા, પિતા સામે ફરિયાદ
વડોદરા, તા.28 વડોદરા નજીક એક ગામમાં રહેતી યુવતી સાથે શારીરિક સંબંધના કારણે ગર્ભવતી થયા બાદ પાદરાના યુવાને લગ્ન કરવાનો ઇન્કાર કરી ધમકી આપતા યુવાન, તેની માતા સહિત પાંચ સામે ફરિયાદ થતાં પોલીસે યુવાનની ધરપકડ કરી હતી.
તાલુકા પોલીસ સ્ટેશનમાં નોધાવેલી ફરિયાદમાં યુવતીએ જણાવ્યું હતું કે છ માસથી હું એકલી રહુ છું. ગેંડા સર્કલ પાસે આવેલ ખાનગી કંપનીમાં કામ કરતાં સૌરભ પિયુષ કાછીયા (રહે.સંતરામ મંદિર નજીક, પાદરા) તેમજ ઓમ બ્રહ્મભટ્ટ અને ધુ્રવ ચૌરસીયા સાથે મારે પરિચય થયો હતો. જુલાઇ માસમાં સૌરભ મને પ્રથમ વખત મારા ઘેર ડ્રોપ કરવા આવ્યો ત્યારે અમે બંનેએ મરજીથી શરીર સંબંધો બાંધ્યા હતાં.
ત્યારબાદ પણ મારા ફ્લેટમાં તે આવીને રાત્રે રોકાતો હતો અને અમે શરીર સંબંધ બાંધતા હતાં. દિવાળીમાં હું વલસાડ જિલ્લામાં મારી માતાના ઘેર ગઇ ત્યારે મને ઉલટી જેવું થયા બાદ મેં યુપીટી કીટથી પ્રેગ્નન્સી ટેસ્ટ કરાવતા તે પોઝિટિવ આવ્યો હતો. મેં ડોક્ટરને બતાવતા તેમણે પણ પ્રેગ્નન્સીનો પોઝિટિવ અભિપ્રાય આપ્યો હતો. આ વાત મેં સૌરભને કરતાં તેણે તેમજ તેના મિત્ર ધુ્રવે મને જણાવેલ કે મને ખબર છે એકલા હાથે સહેલું નથી, આમા લોસ બંનેને છે, બંને વાત કરીને સોલ્યૂશન લાવો અથવા એબોર્શન કરાવી લો.
તા.૨૧ નવેમ્બરના રોજ સૌરભ બાઇક પર મને અમિતનગર સર્કલ મૂકવા આવ્યો ત્યારે તેણે જણાવેલ કે આપણે પ્લાન કરી લઇએ અથવા જેમ ચાલે છે તેમ ચલાવીએ. ત્યારબાદ સૌરભને ડોક્ટર પાસે જવાનું કહેતા તે વાત ટાળતો હતો જેથી હું તેના ઘેર પાદરા ગઇ ત્યારે તેની માતાએ જણાવેલ કે મારો છોકરો આવું કરી જ ના શકે, બીજાનું હોય તે મારા છોકરા પર ના ચોંટાડીશ, જ્યારે ઓમે એબોર્શન કરાવી લે તેમ કહ્યું હતું અને સૌરભે તારે જે કરવું હોય તે કરી લે તું એબોર્શન કરાવી લે તેમ કહી પોતે મરી જશે તેમ જણાવ્યું હતું. સૌરભના પિતાએ પણ ધમકી આપી હતી. ઉપરોક્ત વિગતોની ફરિયાદના પગલે પોલીસે સૌરભ કાછીયાની ધરપકડ કરી હતી.