યુવતીને પ્રેમજાળમાં ફસાવી શારીરિક સંબંધ બાંધી યુવકે તરછોડી દીધી

ગર્ભપાત કરાવી દઇ ધમકી આપી કે, હવે તારી પાસે કોઇ પુરાવો નથી, તારાથી થાય તે કરી લે

Updated: Aug 5th, 2024


Google NewsGoogle News
યુવતીને પ્રેમજાળમાં ફસાવી શારીરિક સંબંધ બાંધી યુવકે તરછોડી દીધી 1 - image

વડોદરા,સ્નેપ ચેટ પર સંપર્ક થયા પછી યુવતીને પ્રેમ સંબંધમાં ફસાવી લગ્ન કરવાનો ભરોસો આપી ગર્ભવતી બનાવી આરોપીએ તરછોડી દીધી હતી. આરોપી અને તેની માતાએ યુવતીને પટાવીને ઠંડા પીણામાં દવા પીવડાવી ગર્ભપાત કરાવી દીધો હતો. જે અંગે કપુરાઇ પોલીસે માતા - પુત્રની સામે ગુનો દાખલ કર્યો છે.

શહેરની ૨૮ વર્ષની યુવતીને મોહંમદઅજહર હુસેનમીંયા અરબ  એક વર્ષ પહેલા  સ્નેપ ચેટ પરથી મેસેજ મોકલતો હતો. ત્યારબાદ માર્ચ - ૨૦૧૩ માં તેઓ પહેલીવાર માંજલપુર સેલ્સ કોર્નર ખાતે ભેગા થયા હતા. ત્યારબાદ તેઓ વચ્ચે મિત્રતા થઇ હતી. થોડા સમય પછી મોહંમદઅરબે તેને કહ્યું કે,  હું તને પ્રેમ કરૃં છું અને તારી સાથે લગ્ન કરવા માંગું છું. યુવતીએ થોડો સમય વિચાર કર્યા પછી હા  પાડી હતી. ત્યારબાદ ૮ થી ૯  વખત અલગ - અલગ   હોટલમાં લઇ જઇ  યુવતી સાથે શારીરિક સંબંધ બાંધ્યો હતો. મોહંમદઅજહરની માતાએ પણ યુવતીને મળીને કહ્યું કે, હું તારા લગ્ન કરાવી દઇશ. થોડાસમય પછી યુવતીએ તેને લગ્ન અંગે પૂછતા મોહંમદઅજહર અને તેની માતાએ  ઝઘડો કર્યો હતો. ત્યારબાદ માતા - પુત્રે યુવતીનો ફોન રિસિવ કરવાનું પણ છોડી દીધું હતું.

યુવતીને ગર્ભ રહી જતા મોહંમદઅજહરે કહ્યું કે, મારે હમણા બાળક જોઇતું નથી. આરોપી અને તેની માતાએ યુવતીને  કહ્યું કે, તું દવા લઇને બાળક કાઢી નાંખ. આરોપીએ એવી લાલચ આપી કે, તું બાળક કાઢી નાંખીશ તો હું તારી સાથે લગ્ન કરીશ. પરંતુ, યુવતીએ બાળક પડાવવાની ના પાડી દીધી હતી. ત્યારબાદ આરોપીએ ઠંડા પીણામાં કોઇ દવા ભેળવીને યુવતીને પીવડાવી દેતા ગર્ભપાત થઇ ગયો હતો.

ગર્ભપાત પછી માતા - પુત્રે યુવતીને એવી ધમકી આપી હતી કે, હવે તારી  પાસે કોઇ પુરાવો નથી. હું તારી સાથે લગ્ન કરીશ નહીં. તારાથી થાય તે કરી લે. હવે લગ્નની વાત કરીશ તો તને જાનથી મારી નાંખીશ.

કપુરાઇ પોલીસે મોહંમદઅજહર હુસેનમીંયા અરબ તથા તેની માતા મશીહાબીબી ( બંને રહે. શબનમ એપાર્ટમેન્ટ, મુન્શીનો ખાંચો, મોગલવાડા) સામે ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે.


Google NewsGoogle News