ઓનલાઇન ઠગતી ગેંંગ ના તમામ બેન્ક ખાતા ફ્રિઝ થતાં સ્યુસાઇડનો પ્રયાસ કરનાર યુવકે 25 લાખ પાછા મેળવ્યા

Updated: Nov 1st, 2023


Google NewsGoogle News
ઓનલાઇન ઠગતી ગેંંગ ના તમામ બેન્ક ખાતા ફ્રિઝ થતાં સ્યુસાઇડનો પ્રયાસ કરનાર યુવકે 25 લાખ પાછા મેળવ્યા 1 - image

વડોદરાઃ વડોદરાના એક યુવક સાથે પાર્ટટાઇમ જોબના નામે થયેલી રૃ.૨૫ લાખની છેતરપિંડીના કિસ્સામાં ઠગ ગેંગ ખુદ ફસાઇ ગઇ છે અને તેણે પડાવેલા તમામ રૃ.૨૫ લાખ ભોગ  બનનાર યુવકને પરત મળી ગયા છે.

પાંચેક મહિના પહેલાં મકરપુરાના મયંકભાઇ નામના એક યુવકને સેલિનાના નામે વોટ્સએપ મેસેજ આવ્યો હતો અને તેણે પાર્ટટાઇમ જોબની ઓફર કરી યુટયુબ પર વીડિયો લાઇક કરીને રોજના રૃ.૨ થી ૧૦ હજાર કમાવવાની ઓફર કરી હતી.જેથી તે તૈયાર થતાં શરૃઆતમાં સારૃં વળતર આપી વિશ્વાસ સંપાદન કર્યો હતો.ત્યારબાદ ટાસ્ક વધારીને ડિપોઝિટ રૃપે વધુને વધુ રકમ ટ્રાન્સફર કરાવી લઇ રૃ.૨૫ લાખની ઠગાઇ કરવામાં આવી હતી.

વડોદરા સાયબર સેલના એસીપી હાર્દિક માંકડિયા અને પીઆઇ બી એન પટેલની ટીમે આ કેસમાં તપાસ કરી સુરતના નિકુલ ધોરી, અયાન મેમણ,મુસ્તાક પઠાણ,અબ્બાસ પઠાણ,હિરેન પટેલ,પ્રદિપ કાછડીયા, મયૂર ગોપાણી અને ભાવેશ ગાબાનીને ઝડપી પાડી રિમાન્ડ પર લીધા હતા.

બીજીતરફ સાયબર સેલ દ્વારા જે બેન્ક એકાઉન્ટમાં રકમ ટ્રાન્સફર થઇ હતી તે તમામ બેન્ક ખાતા ફ્રીઝ કરાવી દેવામાં આવ્યા હતા.જેને કારણે રૃપિયા પડાવી લેનાર ગેંગ રૃપિયા ટ્રાન્સફર કરાવી શકી નહતી.સાયબર સેલે આ રકમ કોર્ટના મારફતે હુકમ કરાવી પાંચ મહિને પરત અપાવી છે.

ઓનલાઇન ઠગતી ગેંંગ ના તમામ બેન્ક ખાતા ફ્રિઝ થતાં સ્યુસાઇડનો પ્રયાસ કરનાર યુવકે 25 લાખ પાછા મેળવ્યા 2 - imageસર્વસ્વ ગુમાવનાર યુવકે આપઘાતનો પ્રયાસ કર્યો હતો

સ્યુસાઇડ નોટમાં લોકોને નહિં ફસાવા અપીલ કરી હતી

ઠગ ટોળકીની ચૂંગાલમાં ફસાયેલા યુવકે સર્વસ્વ ગુમાવી દેતાં તે નાસીપાસ થઇ ગયો હતો અને ઝેરી દવા પી લીધી હતી.

પ્રાપ્ત વિગતો મુજબ,યુવકે તેની મૂડી ઉપરાંત અન્ય લોકો પાસેથી લીધેલી રકમ ઠગોને ટ્રાન્સફર કરી આપી હતી.તેમ છતાં તેની પાસે વધુ રકમની માંગણી કરી ધમકી આપવામાં આવતી હોવાથી તેણે સ્યુસાઇડનો પ્રયાસ કર્યો હતો.સારાનશીબે  સારવાર બાદ યુવક બચી જતાં તેની પત્નીએ ફરિયાદ કરી હતી.

યુવકે સ્યુસાઇડ નોટ પણ લખી હતી અને તેમાં લોકોને આવી રીતે નહિં ફસાવા અપીલ કરી તેની સાથે કેવી રીતે ચીટિંગ થયું તેની વિગતો વર્ણવી હતી.

ઠગોએ યુવકને પાંચ દિવસમાં રૃ.1.13 કરોડની કમાણી બતાવી હતી

ઠગ ટોળકીએ યુવક પાસે રૃપિયા પડાવવા માટે ઓનલાઇન એકાઉન્ટ ખોલી આપ્યું હતું.જેમાં યુવકે કેટલા રૃપિયા કમાયા છે તેના આંકડા દેખાતા હતા.માત્ર પાંચ દિવસમાં જ યુવકના ખાતામાં રૃ.૧.૧૩ કરોડ દેખાડવામાં આવ્યા હતા.પરંતુ આ રકમ ઉપાડી શકાય તેમ નહતી.તે રકમ મેળવવા માટે ૩૦ ટકા રકમ ભરપાઇ કરવી પડે તેવી શરત મૂકતાં યુવકે રૃપિયા ભેગા કરી રૃ.૨૫ લાખ ટ્રાન્સફર કરી લીધા હતા.આમ છતાં વધુ રકમની માંગણી કરવામાં આવતી હોવાથી યુવકને શંકા ગઇ હતી અને રકમ ચૂકવવાનું  બંધ કરી પોલીસને જાણ કરી હતી.


Google NewsGoogle News