વડોદરાની અત્યંત કરુણ ઘટના: મગરને જોઈને યુવાન ભાગ્યો, પગ લપસતા નદીમાં પડતા મગર ખેંચી ગયો
Vadodara News : ભારે વરસાદ બાદ પૂરની સ્થિતિ સર્જાતાં વડોદરામાં હાહાકાર મચી જવા પામ્યો હતો. ત્યારે આ વચ્ચે વડોદરાથી ઘણાં ચિંતાજનક અહેવાલો પણ સામે આવી રહ્યા છે. તાજેતરના એક અહેવાલ અનુસાર નદી કિનારે કોતરમાં માછલીની જાળ કાઢવા ગયેલો યુવક મગરને જોઈને ભાગ્યો હતો અને આ દરમિયાન જ લપસી જતાં મગરનો કોળીયો બની ગયો.
કેવી રીતે બની ઘટના?
ઉલ્લેખનીય છે કે વડોદરા જિલ્લાના ચાણોદ પાસેથી પસાર થતી ઓરસંગ નદી ભારે વરસાદના કારણે પાણી બે કાંઠે વહેતી થઇ હતી. આ દરમિયાન નદીની કોતરમાં રાજપુરા ગામમાં રહેતો અમિત પુનમ વસાવા (ઉંમર વર્ષ 30) એ માછલી પકડવા પાણીમાં નાખેલી જાળ કાઢવા માટે ગયો હતો. ત્યારે પાણીમાં મગર દેખાતા તે અચાનક ભાગવા લાગ્યો. પરંતુ આ દરમિયાન તેનો પગ લપસી જતા પાણીમાં પડી ગયો હતો. ત્યારે મગરે તેને જડબામાં પકડી લીધો અને નદીમાં ખેંચી ગયો હતો. જેના લીધે અમિતનું કરુણ મોત નીપજ્યું હતું.
વન વિભાગની રેસ્ક્યૂ ટીમ તહેનાત
વડોદરામાં હાલ પૂરની પરિસ્થિતિને ધ્યાને લઈને સામાજીક વનીકરણ વિભાગ દ્વારા વન્યપ્રાણી/વન્યજીવ રેસ્કયુ માટે 18 ટીમ કાર્યરત કરાઈ છે. આ ટીમોમાં વડોદરાના સામાજીક વનીકરણ વિભાગના સ્ટાફ ઉપરાંત સ્થાનિક એન.જી.ઓ. તથા સ્વયંસેવકો સામેલ કરાયા છે. વિશ્વામિત્રી નદીમાં રહેતા મગરો પૂરના પાણીની સાથે શહેરના વિવિધ વિસ્તારોમાં તણાઈને પહોંચી ગયા જતાંત સાપ અને કાચબા પણ રહેણાંક વિસ્તારોમાં જોવા મળી રહ્યા છે. છેલ્લા ત્રણ દિવસમાં વડોદરા શહેરમાંથી 70થી વધુ સાપ અને 10 થી વધુ મગરનું રેસ્ક્યુ કરવામાં આવ્યું છે.
બચાવ અને રાહત કામગીરી માટે આર્મી પણ તહેનાત
વડોદરામાં આર્મી ટીમોની તૈનાતીથી પૂર પ્રભાવિત વિસ્તારોમાં સ્થાનિક અને જિલ્લા વહીવટીતંત્ર દ્વારા હાથ ધરવામાં આવતી બચાવ અને રાહત કામગીરી વધુ ઝડપી બની છે. આર્મીની ટીમ દ્વારા તમામ જરૂરી સાધનો અને રાહત સામગ્રી સાથે અસરગ્રસ્ત લોકો સુધી પહોંચાડવામાં આવી રહી છે. પૂરમાં ફસાયેલા લોકોને પણ સુરક્ષિત સ્થાને ખસેડવામાં આવી રહ્યા છે.