ડો. આંબેડકરની પ્રતિમા પ્રસ્થાપિત કરવાનું કામ બે વર્ષથી ઘોંચમાં
૨૩ લાખના ખર્ચે ડો. આંબેડકરની પ્રતિમા તૈયાર થઇને પડી રહી છે
વડોદરા,વડોદરા અટલ બ્રિજ નીચે રેસકોર્સ ખાતે એમજીવીસીેલ ભવન સામેથી ડો. બાબા સાહેબ આંબેડકરની હાલની પ્રતિમા ખસેડીને નજીકમાં સામેજ ૧૨ ફુટ ઉંચી નવી પ્રતિમા પ્રસ્થાપિત કરવા અંગેની દરખાસ્તને વર્ષ ૨૦૨૦ દરમ્યાન વડોદરા કોર્પોરેશનની સમગ્ર સભાએ મંજૂરી આપી હતી. આ પ્રતિમા તૈયાર થઇને પડી રહી છે, પણ હજી સુધી પ્રસ્થાપિત કરાઇ નથી.
અટલબ્રિજની કામગીરી વખતે આંબેડકર સર્કલમાંથી બ્રિજ બનાવતી વખતે પ્રતિમા ખસેડવાની આવશ્યકતા ઉભી થઇ હતી. આ પ્રતિમા ખસેડી એમજીવીસીેલ ભવન સામેની જગ્યામાં ટેમ્પરરી સ્થાપિત કરવામાં આવી હતી. તે વખતે સ્ટેન્ડિંગ સમિતિએ એક દરખાસ્ત મંજુર કરી હતી જેની સમગ્ર સભાએ અંતિમ મંજૂરી આપી છે. જેમાં ૧૨ ફૂટ ઉંચી પ્રતિમાનો ખર્ચ તથા આઇલેન્ડ બનાવવાનો ખર્ચ બીજી કંપનીઓ ઉઠાવવાના હતા. હાલ જે રેસકોર્સ ખાતેની જે પ્રતિમા છે તે ખસેડીને કલ્યાણનગર ખાતે બનતા ડો. બાબા સાહેબ આંબેડકર મેમોરિયલ ખાતે પ્રસ્થાપિત કરવાની છે. જયારે સંકલ્પ ભુમિ ખાતે ડો. બાબાસાહેબ સંકલ્પ લેતા વિચારમગ્ન મુદ્રીમાં બેઠા હોય તેવી પ્રતિમા મુકવામાં આવશે, તેવું આયોજન હાથ ધર્યુ હતું. ૨૦૨૧ થી ૨૩ લાખના ખર્ચે તૈયાર થયેલ ડો. આંબેડકરની પ્રતિમા સયાજીબાગમાં પડી રહી છે. સંકલનનો અભાવ હોઇ સમગ્ર પ્રોજેકટ ઘોંચમાં પડયો છે. વહેલી તકે આ પ્રતિમાને યોગ્ય સ્થળે પ્રસ્થાપિત કરવા સામાજિક કાર્યકરે રજૂઆત કરી છે.