Get The App

વડોદરાના કમાટીબાગમાં આકર્ષણ વધારવા ગ્લો ગાર્ડનની કામગીરી ચાલુ

Updated: Apr 25th, 2024


Google NewsGoogle News
વડોદરાના કમાટીબાગમાં આકર્ષણ વધારવા ગ્લો ગાર્ડનની કામગીરી ચાલુ 1 - image

Glow Garden in Vadodara : વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા શહેરના ઐતિહાસિક કમાટીબાગમાં 1.80 કરોડના ખર્ચે ડેવલપમેન્ટના વિવિધ કામ હાથ ધરાયા છે. જેમાં બોનસાઈ પાર્ક અને કેકટસ પાર્ક બાદ મુલાકાતીઓના આકર્ષણમાં વધારો કરવા માટે ગ્લો ગાર્ડનનું કામ ચાલુ કરવામાં આવ્યું છે. કામગીરી ટૂંક સમયમાં પૂર્ણ થઈ જશે તેમ જાણવા મળ્યું છે. કમાટી બાગમાં આવેલા એક વિસ્તાર બેન્ડ સ્ટેન્ડના ભાગે આ ગ્લો ગાર્ડન બની રહ્યો છે. જે આશરે 35 ફૂટ લાંબો અને 10 ફૂટની પહોળાઈ ધરાવે છે એટલે કે કર્વેચરના પટ્ટામાં આ ગાર્ડનમાં આર્ટિફિશિયલ કોકોનટ ટ્રી, મેપલ ટ્રી મૂકવામાં આવશે જે રાત્રે રંગબેરંગી લાઇટિંગ થી ઝગમગી ઉઠશે. એક પ્રકારનો આ મુલાકાતીઓમાં સેલ્ફી પોઇન્ટ બની જશે. આ સ્થળે ફાઇબરના આર્ટિફિશિયલ અને આકર્ષક જિરાફ, હરણ, ઝેબ્રાના જે સ્ટેચ્યુ લાવવામાં આવ્યા છે તે મૂકવામાં આવશે. હાલ તેના એન્ક્લોઝરની કામગીરી ચાલુ છે. ગ્લો ગાર્ડન બનતા તેના લીધે રાત્રિનું દ્રશ્ય ગાર્ડનમાં વધુ મોહક બનશે.

અગાઉ ગાર્ડનમાં આકર્ષણમાં વધારો કરવા પુનાથી હાથી અને ડાયનોસોર મંગાવવામાં આવ્યા હતા. હાલ હાથી ગોઠવી દેવાયો છે અને તેની રેલિંગનું કામ ચાલુ છે. જ્યારે હાથી સાથે સાથે  ડાયનાસોરને મૂકવામાં આવશે. હાથી અને ડાયનોસોરના સ્ટેચ્યુ મુવેબલ છે, એટલે કે હાથીની સૂંઢ અને ડાયનાસોરની ડોક હલનચલન કરે છે, જેના લીધે બાળકોને પણ મજા પડશે. આ ઉપરાંત મેઝગાર્ડન એટલે કે ભૂલભૂલૈયા પણ તૈયાર કરવામાં આવ્યું છે. તેનું પ્લાન્ટેશન કરી દેવાયું છે. બાળકોમાં ભૂલભૂલૈયા ખૂબ પ્રિય છે. ગાર્ડન રાત્રિના સમયે રંગબેરંગી રોશની થી ચળકે તે માટે એન્ટ્રી ગેટ પર કર્વમાં ડેકોરેટિવ લાઇટિંગ પણ મૂકવામાં આવી છે. 113 એકરમાં પથરાયેલા આ કમાટીબાગ મહારાજાએ 145 વર્ષ પહેલાં વડોદરાને ભેટમાં આપ્યો હતો. આ ગાર્ડનના આકર્ષણમાં વધારો કરવામાં આવી રહ્યો છે.


Google NewsGoogle News