૩.૫ કિમી સૌથી લાંબા ફલાઇઓવર બ્રિજનું કામ હજી પાંચ વર્ષેય અધૂરૃં
બ્રિજનું કાર્ય નવેમ્બર ૨૦૨૦માં પૂરૃં થવાનું હતું
વડોદરા,વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા ગેંડા સર્કલથી મનીષા ચોકડી સુધી ૩.૫ કિમી સૌથી લાંબા ફોરલેન ફલાઇઓવર બ્રિજની કામગીરી છેલ્લા પાંચ વર્ષથી ચાલી રહી છે. આમ તો આ બ્રિજનું કાર્ય નવેમ્બર ૨૦૨૦માં પૂરૃં થવાનું હતું, પરંતુ હજી ચાલુ છે. બ્રિજની કામગીરી બે વર્ષ વિલંબમાં મૂકાઇ છે. જેમાં નાણાંકીય ભંડોળની તકલીફ, કોવિડકાળ અને ફલાઇઓવર બ્રિજના એલાઇમેન્ટમાં સર્વિસ લાઇનના નેટવર્કના કારણો મુખ્ય છે. ગેંડા સર્કલથી મનીષા ચોકડી સુધીના બ્રિજનો પ્રોજેકટ ઓકટોબર-૨૦૧૭માં ક્લિઅર કરાયો હતો, પરંતુ ત્યારથી કામગીરી હજી અધૂરી છે. ખાસ કરીને ચોમાસામાં બ્રિજના ઉબડખાબડ સર્વિસરોડ અને જલભરાવને કારણે રાહદારીઓ અને વાહનચાલકોએ ખૂબ હાડમારી ભોગવી છે. કોર્પોરેશને બ્રિજની કામગીરી શરૃ કરી દીધા બાદ નાણાકીય ભીડ પડતા પેમેન્ટના પ્રશ્નો થયા હતા. શરૃઆતમાં સરકાર દ્વારા પૂરતી સહાયની વાતો કરાઇ હતી ત્યારબાદ પીછેહઠ થતા તકલીફ શરૃ થઇ હતી. સરકારના વચન બાદ વર્ષ ૨૦૧૭માં કામગીરી શરૃ કરાઇ હતી. આશરે ૨૩૦ કરોડના ખર્ચે તૈયાર થતા આ બ્રિજ માટે વડોદરા કોર્પોરેશને પણ પોતાના ભંડોળમાંથી નાણા ખર્ચ કર્યા છે. બીજીબાજુ કોંગ્રેસનું કહેવું છે કે વડોદરાના લોકોની સહનશક્તિને દાદ દેવી પડે. બીજી જગ્યાએ મોટા બ્રિજના કામો ૩ વર્ષમાં પૂરા થયા છે. આપણે ત્યાં ૫ વર્ષથી ચાલે છે. સમયમર્યાદામાં બ્રિજ પૂર્ણ ન થતા લોકો છેલ્લા બે વર્ષથી આપદા ભોગવી રહ્યા છે.