મહિલાને બેભાન કરી રિક્ષાચાલક સહિત ચાર શખ્સોએ કરેલી લૂંટ
રિક્ષામાં ગળે ટૂંપો આપી બેભાન કરી દીધી ઃ ભાનમાં આવી ત્યારે દુમાડ ચોકડીથી દૂર હતી
વડોદરા, તા.15 પોર જીઆઇડીસીમાં નોકરી કરીને ઘેર જતી એક મહિલાને રિક્ષામાં બેસેલ ચાર શખ્સોએ ગોંધી રાખ્યા બાદ તેને બેભાન કરી તેની પાસેના દાગીના, રોકડ સહિત કુલ રૃા.૭૦૭૦૦ની લૂૅંટ કરી બેભાન હાલતમાં મહિલાને દુમાડ ચોકડીથી દૂર ફેંકી રિક્ષાચાલક સહિત ચાર લૂંટારૃઓ ફરાર થઇ ગયા હતાં.
કરજણ તાલુકાના કંડારી ગામમાં ભાથીજી ફળિયામાં રહેતી ૫૧ વર્ષની મહિલા પ્રિયા ગોપાલભાઇ વસાવાએ વરણામા પોલીસ સ્ટેશનમાં ચાર શખ્સો સામે નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું છે કે હું પોર જીઆઇડીસીમાં આવેલી ખાનગી કંપનીમાં નોકરી કરું છું મારા પતિ પણ પોર ખાતે નોકરી કરતાં હોવાથી અમે બંને સવારે સાથે પોર આવીએ છીએ અને સાંજે હું વહેલી છૂટી જતી હોવાથી પોર ખાતેથી ખાનગી વાહનમાં બેસી ઘેર જઉં છું.
તા.૧૩ના રોજ સાંજે હું નોકરી પરથી છૂટીને પોર હાઇવે પર આવીને કંડારી તરફ જવા માટે ખાનગી વાહનની રાહ જોતી હતી ત્યારે એક રિક્ષા આવી હતી જેમાં ડ્રાઇવર સહિત કુલ ચાર શખ્સો હતાં. મેં કંડારી જવાની વાત કરી રૃા.૧૦ ભાડું નક્કી કરી તેમાં હું બેઠી હતી. જો કે રસ્તામાં ડ્રાઇવરે કંડારી જવાના બદલે રિક્ષા બામણગામ પાસેથી યુ ટર્ન મારી વડોદરા તરફ ભગાવતાં મેં તેને તેનું કારણ પૂછતાં ડ્રાઇવરે મારે ગેસ ભરાવવાનો છે અને ત્યાં મારા સંબંધીને મળવાનું છે તેમ કહ્યું હતું.
થોડે દૂર ગયા બાદ રિક્ષાનો પડદો પાડી દેવાતા મેં બૂમાબૂમ કરી હતી જેથી મારી સાથે બેસેલી બે વ્યક્તિઓએ ગળાના ભાગે ચપ્પુ મૂકી ધમકી આપી હતી અને પગ મૂકવાની જગ્યાએ મને સીટ પરથી નીચે પાડી દઇ મારા પર પગ મૂકી દઇ મોઢા પર ઓઢણીનો ડૂચો મારી દીધો હતો. તરસાલી બ્રિજથી થોડે દૂર આગળ લઇ ગયા બાદ મને આંખોમાં પાટો બાંધી દીધો હતો અને અન્ય ફોર વ્હિલમાં બેસાડી ઓઢણીથી ગળે ટૂંપો આપી બેભાન કરી દીધી હતી. જ્યારે રાત્રે ૧૧ વાગે હું ભાનમાં આવી ત્યારે દુમાડ ચોકડીથી દૂર હતી અને મારા શરીર પર દાગીના, મોબાઇલ, રોકડ સહિત કુલ રૃા.૭૦૭૦૦ની મત્તા ગાયબ હતી.